← મુખપૃષ્ઠ · કાવ્યસંગ્રહ

છૂટા શેર ૮૪૨૧–૮૪૪૫

ઑક્ટોબર ૨૦૨૬કવિતા

૮૪૨૧.
એક ફાનસ ઓસરીમાં રાતભર જાગ્યા કરે,
ગામ આખું ઊંઘતું, ને એ જ દાદીમા સમું.
૮૪૨૨.
એક રાતે પત્ર તારા બાળવા બેઠો હતો,
આગ અડતાં અક્ષરોને, આગ થઈ ગઈ ચાંદની.
૮૪૨૩.
ફોનથી ઘડિયાળ મંગાવી હતી ઉત્સાહથી,
ખોલતાં ખોખું, મળી'તી ઈંટ, ને ‘આભાર’ પણ.
૮૪૨૪.
નામ ભૂલે, વાર ભૂલે, ભૂલતી મા હરઘડી,
તોય ‘જમ્યો?’ પૂછવાનું, એ કદી ભૂલી નહીં.
૮૪૨૫.
આ ‘પરાગે’ જાતને ખોયા પછી પામ્યું બધું,
ફૂલ છૂટ્યું, ત્યાં જ આખો બાગ એનો થઈ ગયો.
૮૪૨૬.
દીકરાનો ભાવ બોલે બાપ, જાણે ઢોર હો,
ને દહેજે તોલતા'તા દીકરીનાં સ્વપ્ન સૌ.
૮૪૨૭.
મેહ આખી રાત ગાજ્યો, ઊજળું આકાશ છે,
કોઈ માએ આંગણું આકાશનું ધોયું હશે.
૮૪૨૮.
બા ગયાં, ને ભાઈઓએ ઘર વહેંચ્યું ભાગમાં,
આંગણે તુલસી હતી, ના કોઈ એની લઈ ગયું.
૮૪૨૯.
ગામમાં નેતા પધાર્યા, ફીત કાપી, થઈ સભા,
એ ગયા, ને નળ હજી જોયા કરે જળની ય વાટ.
૮૪૩૦.
આ ‘પરાગે’ એક ઝાકળમાં નિહાળ્યું આભને,
નાનકું ટીપું, છતાં એમાં હતું આખું ગગન.
૮૪૩૧.
ભાઈ ખેતર ખેડતો'તો, એટલે ભણતો ગયો,
એ પસીનો આજ મારી ભીંત પર ઝળકે, જુઓ.
૮૪૩૨.
ચાંદને પૂછ્યું કદી મેં, ‘ક્યાં રહે મુજ ચાંદની?’
એ હસીને વાદળે સંતાઈ ગ્યો, શરમાઈને.
૮૪૩૩.
ગરગડીના સૂરમાં બા જળ ભરે રોજે સવાર,
આજ નળ છે, પણ ગયો એ સૂર બાની સાથમાં.
૮૪૩૪.
રોજ ‘ગુડ મૉર્નિંગ’ ફૂલો મોકલે સો માણસો,
બાગનાં સાચાં ગુલાબો ઝૂરતાં ત્યાં એકલાં.
૮૪૩૫.
ફળ લચે તો ઝાડ નમતું, ધન મળે તો માનવી
ગર્વથી ટટ્ટાર ચાલે, ઝાડથી શીખ્યો નહીં.
૮૪૩૬.
દીકરીનો ફોન આવે, ને પિતા ઊભા થતા,
એમ, જાણે ઢીંગલી લઈને પરી સામે ખડી.
૮૪૩૭.
શબ્દને ઘડતો હતો, તો મૌન આવ્યું સામને,
‘ક્યાંક મારી વાત પણ લખજે’ કહીને એ ગયું.
૮૪૩૮.
આ રજામાં વાંચવા ગ્રંથો ઘણા લાવ્યો હતો,
ગ્રંથ સઘળા મેજ પર, ને ઊંઘમાં સઘળી રજા.
૮૪૩૯.
આ ‘પરાગે’ દર્દને પણ ફૂલ જેવું ઓઢિયું,
કાંટ પણ ખૂંચી ગયા, તો મ્હેકથી ભીના થયા.
૮૪૪૦.
શ્યામ માખણ ચોરતો'તો, ને યશોદા પૂછતી,
આંગળી ગાયો ભણી ચીંધી, હસે છે શ્યામ ત્યાં.
૮૪૪૧.
ફૂલ વેચીને ઘરે ગઈ એક નાની છોકરી,
એક પણ ગજરો ન'તો એના જ વાળે આખરે.
૮૪૪૨.
શ્વાસ લેવા ઑક્સિજનનો બાટલો ભાડે મળે,
ઝાડ વાવો, એ સલાહે કોઈ ના આવે અહીં.
૮૪૪૩.
આંખમાં તારી નિહાળ્યું, તો હતું મારું વતન,
એ જ પીપળ, એ જ પાદર, એ જ માટીની મહક.
૮૪૪૪.
કાલ કોણે જોઈ છે? બસ આજ હસતાં જીવવું,
ફૂલ પૂછે ક્યાં કદી: ‘આ સાંજ ક્યારે આવશે?’
૮૪૪૫.
સીમના એ પાળિયા છે વીરની ગાથા સમા,
આજ એના પર ચડે ના ફૂલ, ના દીવો કશો.
– પરાગ રતનપરા

શેર
← પહેલો લેખછૂટા શેર ૮૩૯૬–૮૪૨૦આગલો લેખ →છૂટા શેર ૮૪૪૬–૮૪૬૫