છૂટા શેર ૮૩૯૬–૮૪૨૦
૮૩૯૬.
હજારો દીપ ઝળહળતા, છતાં ભીતર અમાસી છે,
દિવાળી બ્હાર આવી છે, હૃદયનો દીપ ક્યાં બળતો?
૮૩૯૭.
પિતાની ચંપલે ચાલ્યો, પછી જાણ્યું, હતા છાલા,
હસીને રોજ જે ચાલ્યા, છુપાવી દર્દની ગાથા.
૮૩૯૮.
સભામાં ભીડ ભાડેથી, અને તાળી ખરીદેલી,
મફત તો એક ભાષણ, શેષ સઘળું હોય છે ભાડે.
૮૩૯૯.
તને જોવા ગલી તારી બની ગઈ તીર્થ મારું તો,
ઝરૂખો દેવળી જેવો, અને તું મૂરતી ત્યાં બસ.
૮૪૦૦.
પરાગે શબ્દના બાગે ઉગાડ્યાં ગીતનાં ફૂલો,
હવે આ વાયરો પણ ગુનગુને છે એ જ ગીતોને.
૮૪૦૧.
હતો ચોરો, હતી વાતો, ભજન ગાતું હતું આખું,
હવે ટીવી બધાં ઘરમાં, અને ચોરો થયો સૂનો.
૮૪૦૨.
મરણ આવે ભલે આજે, હસીને દ્વાર ખોલીશું,
હતો એ મિત્ર જૂનો, આવશે ચોક્કસ, ખબર'તી એ.
૮૪૦૩.
પરીક્ષાના દિવસ આવ્યા, અને ટીવી થયું ગુમ ત્યાં,
હવે ઘરમાં દબાતે પગ, અને ધીમે અવાજે સૌ.
૮૪૦૪.
ઘટા ઘેરી, પવન ઠંડો, અને માટી બની ખુશ્બૂ,
ગયા વરસાદની યાદો જગાડી ગઈ સહજ રીતે.
૮૪૦૫.
પરાગે ધૂળમાં પણ ફૂલનું સપનું ઝુલાવ્યું છે,
ભલે ચગદાય પગ નીચે, હૃદયમાં બાગ ઊગ્યો છે.
૮૪૦૬.
વિદેશે બંગલો મોટો, ઘરે પણ કાર બે બે છે,
છતાં મા જે ઘડે, એવો મળે ના રોટલો ક્યાંયે.
૮૪૦૭.
તને મળવા હજી ઊભો વળાંકે એ જ જૂના હું,
ભલે બદલાઈ ગ્યાં રસ્તા, ભલે બદલાઈ તું પણ ગઈ.
૮૪૦૮.
યશોદા ઝૂલવે પારણ, અને આ વિશ્વ ઝૂલે છે,
ખબર ક્યાં મા જશોદાને, ઉછેરે આભને ખોળે.
૮૪૦૯.
બુઢાપે લાકડી સાથી, અને બેટા ગયા દૂરે,
કદી એ લાકડી કે’તી નથી: ‘કાલે ફરી મળશું.’
૮૪૧૦.
કલમ ઘસતાં ઘસાયો હું, છતાં ઊગી નથી કવિતા,
અચાનક દીકરી બોલી ‘પપા’, ને ગીત ફૂટ્યું ત્યાં.
૮૪૧૧.
પરાગે સાંજની સાથે ઉદાસી પણ વહેંચી, ને
હવે આ સૂર્ય પણ ઢળતાં ગુલાબી થઈ, હસી જાતો.
૮૪૧૨.
હતો ડબ્બો નિશાળે જે, અને એમાં હતી મા પણ,
હવે કૅન્ટીનનું ભાણું, ભલે સ્વાદિષ્ટ, મા ક્યાં છે?
૮૪૧૩.
ગયો એ દોસ્ત, ને એનો હજી નંબર સચવ્યો મેં,
કદી એ ભૂલથી લાગે, થતું કે એ ‘હલો’ બોલે.
૮૪૧૪.
ઘણાં પુસ્તક ખરીદ્યાં મેં, અને શોભે કબાટે સૌ,
ઉઘાડ્યાં ના કદી, પણ ધૂળ સાથે છે પુરાણો સંગ.
૮૪૧૫.
ઘણું શોધ્યું, ઘણું ઘૂમ્યો, હતો ઈશ્વર સદા ભીતર,
ઉઘાડ્યાં દ્વાર મનનાં, ત્યાં બધાં તીર્થો પધાર્યાં'તાં.
૮૪૧૬.
તમે આવ્યાં ઘડીભર ને, અમાસે પૂનમો ઊગી,
ગયાં, ત્યાં તો ફરીથી આ ગલી અંધારમાં ડૂબી.
૮૪૧૭.
દવા સૌ રોગની ફોને, ભણાવે ફોનના જ્ઞાની,
તબીબો પણ હવે પૂછે: ‘બતાવો, આજ શું લેવું?’
૮૪૧૮.
પરાગે બાંધવા ધાર્યું પવનને, તો હસી ખુશ્બૂ:
‘મને છૂટી જ રાખો, હું પવનની દીકરી છું, ભાઈ!’
૮૪૧૯.
ઉછીના બીજ ને ખાતર, ઉછીની આશ ધરતીની,
પસીનો એક પોતાનો, અને એ સૂર્ય પી જાતો.
૮૪૨૦.
ગઝલ મારી ભલે ને કોઈ વાંચે, કે ન વાંચે, પણ
મને એણે જ જીવાડ્યો, ઉદાસીના દિવસમાં પણ.
– પરાગ રતનપરા