← મુખપૃષ્ઠ · કાવ્યસંગ્રહ

છૂટા શેર ૮૨૯૬–૮૩૨૦

ઑક્ટોબર ૨૦૨૬કવિતા

૮૨૯૬.
હવે ઘરમાં નથી બા, તોય દીવો હું કરું રોજે,
હજી એ ઓરડે બાની રહી છે મ્હેક સાડીની.
૮૨૯૭.
તમારી રાહ જોવામાં, ભલે આખો બળી ગ્યો હું,
છતાં ઉંબર ઉપર મૂક્યો હજી પણ એક દીવો મેં.
૮૨૯૮.
ગલીમાં હાથ જોડીને ફરે નેતા, ફરી મોસમ,
પછી વર્ષો સુધી આખું નગર શોધે: ગયા ક્યાં એ?
૮૨૯૯.
હતી જમનાકિનારે એક સાંજે વાંસળી વાગી,
હજી ત્યાં ગાય ગોકુળની, ખડી છે કાન માંડીને.
૮૩૦૦.
પરાગે શબ્દમાં મૂકી સુગંધી, ને ગઝલ મ્હેકી,
હવે મારા ગઝલ-કાગળ ઉપર ભમરા ય બેસે છે.
૮૩૦૧.
ગયો વર્ષો પછી ગામે, હવે ના કોઈ ઓળખતું,
ફકત એ પીપળો બોલ્યો: ‘ભલે આવ્યો, મજામાં છે?’
૮૩૦૨.
કતારે હું વિઝા માટે, હૃદય તો ગામના પાદર,
અહીં ડૉલર કમાઉં હું, તહીં મા દિન ગણે બેઠી.
૮૩૦૩.
ઉઠાવી ફોનથી આંખો, જરા જો, બારણે છે મા,
નથી એ પોસ્ટ કે સ્ટેટસ, તને બસ જોઈ લેવા દે.
૮૩૦૪.
ઘણો વરસાદ આવ્યો'તો, છતાં કોરો હતો હું તો,
તમે જોયું ઘડીભર, ને થયો હું તરબતર આખો.
૮૩૦૫.
નયન ઝાંખાં, હવે અક્ષર ઉડે છે પાંદડાં જેવા,
છતાં પોતા તણું મુખડું હજી વાંચી શકું પૂરું.
૮૩૦૬.
પરાગે જિંદગી આખી હવામાં મ્હેકને વેરી,
હિસાબે નામ ના આવ્યું, છતાં ખાલી ન'તો હાથે.
૮૩૦૭.
નિશાળે સંગ ભણતો'તો, હજી એ દોસ્ત ખભ્ભો દે,
પડું ત્યારે ઉપાડે છે, ઢળું તો એ જ ટેકો દે.
૮૩૦૮.
કચેરીમાં અરજ મારી ફરે છે ટેબલે ટેબલ,
હવે તો ધૂળ પણ માગે, ‘ઉપરના’ બસ જરા આપો.
૮૩૦૯.
હતા ફેરા ઘડીભરના, કલાકો કૅમરા ચાલ્યા,
બિચારાં વર-વધૂ હસતાં સતત, જાણે સજા કાપે.
૮૩૧૦.
વરસ આખું વહાવ્યો મેં પસીનો ખેતરે મારા,
ભરી કોઠાર શેઠે, ને અમારા ભાગ્યમાં ભૂખો.
૮૩૧૧.
વિદાયે સૌ નયન ભીનાં, હતી મા ચૂપ પથ્થર સમ,
પછી એ ઢીંગલી ઝાલી, રડી'તી રાત આખી મા.
૮૩૧૨.
ખુદાને શોધવા ચાલ્યો, મસીદો, મંદિરો ફરિયો,
હતો એ ઝૂંપડીમાં, બાળની ભૂખી નજરમાં બસ.
૮૩૧૩.
પરાગે આંસુને પણ શબ્દ કીધાં, ને ગઝલ કીધી,
હવે આ દર્દ પણ મ્હેકે, ચડે છે દેવને માથે.
૮૩૧૪.
સમય રેતી, ભરું મૂઠી, સરે છે આંગળીઓથી,
ખુલી મૂઠી રહી ત્યારે, બધું રોકાઈ ગ્યું એમાં.
૮૩૧૫.
અરીસો રોજ પૂછે, ‘તું ખરેખર કોણ છે ભીતર?’
મુખોટાં સાત ઓઢ્યાં છે, કયું સાચું, કહું શું હું?
૮૩૧૬.
સમંદર કેટલો ખારો, છતાં વાદળ બને મીઠાં,
તમારાં દુઃખ પણ તડકે ધરો, તો ગીત થઈ વરસે.
૮૩૧૭.
હજારોની સભામાં પણ, મને મારો જ સથવારો,
ઘણા દે દાદ, તાળી દે, છતાં ના હાથ કો’ ઝાલે.
૮૩૧૮.
પ્રિયે, તારા કહે, ચાંદો ઉતારું આભથી સીધો,
છતાં ભૂલી જ જાઉં છું, ‘ટમેટાં લાવજો’ રોજે.
૮૩૧૯.
હવે મા છે નહીં, તો કોણ આપે મીઠડી ગાળો?
હવે મોડો ભલે આવું, નથી ઘરમાં ખિજાનારું.
૮૩૨૦.
પરાગે મ્હેકને નામે લખી દીધું બધું, જોયું,
હવા હસતી: ‘ઉછીની છે, ખરી તો ફૂલની ખુશ્બૂ!’
– પરાગ રતનપરા

શેર
← પહેલો લેખછૂટા શેર ૮૨૬૬–૮૨૯૫આગલો લેખ →છૂટા શેર ૮૩૨૧–૮૩૪૫