છૂટા શેર ૮૧૯૧–૮૨૧૫
૮૧૯૧.
આંખો મહીં સપનાં હતાં, હાથે હતી મેંદી, સખી,
આવ્યો ન સાજન, ને હવે રંગો ય ઝાંખા થઈ ગયા.
૮૧૯૨.
ખેડૂત માગે મેઘને, નેતા જ માગે વોટને,
આકાશ બંનેનું ખરું, વરસે ભલે બે જાતથી.
૮૧૯૩.
આ જિંદગી રેલે ચડી, ડબ્બા બધા દોડે સતત,
જોયું નહીં બારી બહારે, ને મુકામે આવિયા.
૮૧૯૪.
ચા પી ગયા, વાતો કરી, ને મિત્ર પણ ચાલ્યો ગયો,
ખાલી પડેલા કપમહીં એની હજી ઉષ્મા રહી.
૮૧૯૫.
ફૂલો ગયાં, ડાળી રડી, ભમરા ગયા બીજે ઘરે,
તોયે પરાગે ડાળને આપી સુગંધી સાંત્વના.
૮૧૯૬.
વર્ષો ગયાં, ઘર વેચિયું, ને શ્હેરમાં આવી ગયા,
રાતે હજી સપનાં મહીં દેખાય છે એ ઓસરી.
૮૧૯૭.
પાણી બચાવો બોર્ડ પર, ને શેઠનો છલકાય હોજ,
ને ગામમાં ત્રણ ગાઉ ચાલી, બેડલાં ભરતી ઢળે.
૮૧૯૮.
તારા વિના આ ઓરડો, ભીંતો ય લાગે પારકી,
ફોટો તમારો ભીંત પર, એ એકલો લાગે સગો.
૮૧૯૯.
પૂછ્યું શશીને, ‘કેમ તું ઘટતો રહે છે રાતભર?’
બોલ્યો, ‘તમારી યાદમાં હું પણ ઘટું છું, ઓ સખા!’
૮૨૦૦.
ખુરશી પિતાની છે હજી, ચશ્માં ય એનાં ત્યાં જ છે,
બેસું જરા, તો લાગતું, માથે ફરે છે હાથ એ.
૮૨૦૧.
ગંગા નહાયા, પાપ ધોયાં, ને ફરી ગંદા થયા,
ગંગા બિચારી પૂછતી, ‘આ પાપ ક્યાં ધોવા જવા?’
૮૨૦૨.
ઝાકળ મહીં ફૂલો નહાયાં, ને ઉષા આવી હસી,
ત્યાં તો પરાગે વાયરે આખો મલક મ્હેકી ગયો.
૮૨૦૩.
મિત્રો હજારો ફોનમાં, બીમાર થઈએ ત્યાં ન કોઈ,
રડતું ઇમોજી મોકલે, પાણી ન આપે કોઈ પણ.
૮૨૦૪.
સોને મઢી એ દ્વારિકા, રાજા બનીને શ્યામ ત્યાં,
ઝૂરે હજી ગોકુળ ગલી, ને પૂછતી: ક્યાં વાંસળી?
૮૨૦૫.
માતા પિતા એકાંતમાં, ને દીકરો પરદેશમાં,
સંડે સવારે ફોન, ને બસ ‘કેમ છો?’નો સાર છે.
૮૨૦૬.
શબ્દો ઘણા, અર્થો નહીં, ભાષણ મહીં ઘોંઘાટ છે,
ઓછું કહે, ઊંડું કહે, એ સત્ય કેરી છે ગઝલ.
૮૨૦૭.
ઊડી ગયાં પંખી બધાં, માળો હજી ઝૂલે ભલા,
મા-બાપનું ઘર પણ જુઓ, બાળક ગયાં પરદેશમાં.
૮૨૦૮.
માટી મહીં ઊઠી મહક, વરસાદ આવ્યો એ ઘડી,
બાળક બની નાચ્યા બધા, ખેડૂત ઝૂમ્યો ખેતરે.
૮૨૦૯.
ખુશ્બૂ ભરી ઝોળી પરાગે, હાટ માંડ્યું ચોકમાં,
લોકો કહે: ‘એ તો હવા આપે મફત, ભઈ, રોજ જો!’
૮૨૧૦.
સરહદ ઉપર જાગે જવાનો, ગામમાં મા જાગતી,
બંને જુએ છે રાહ, ને બંને કરે છે પ્રાર્થના.
૮૨૧૧.
ઘડિયાળ ટકટક ચાલતું, ને આયખું ખરતું જતું,
કાંટા ફરે છે ગોળ, પણ પાછું ફરે ના કોઈ દિન.
૮૨૧૨.
આ બાગમાં ફૂલો ઘણાં, ભમરા ઘણા, માળી ઘણા,
છે મ્હેક કોની? એ પરાગે સાવ છાનું રાખિયું.
૮૨૧૩.
પત્ની કહે ‘મૉલે ચલો’, હૈયું હવે ધબકે ઘણું,
ટ્રોલી ભરે એ હોંશથી, ને કાર્ડ મારું હાંફતું!
૮૨૧૪.
કેવું અજબ આ શ્હેર છે, સૌ દોડતા ચારે દિશા,
ને કોઈને ખબરે નથી, જાવું કહીં છે આખરે.
૮૨૧૫.
કાગળ ઉપર મેં જિંદગી આખી લખી, ભૂંસી ફરી,
છેલ્લે બચી કોરી જગા, ત્યાં ‘મા’ લખી અટકી ગયો.
– પરાગ રતનપરા