છૂટા શેર ૮૧૬૬–૮૧૯૦
૮૧૬૬.
તમારી ગલીમાં, તમારી હવામાં,
હજી શ્વાસ મારો ભટકતો રહે છે.
૮૧૬૭.
સવારે ઉઠીને બધા ફોન ખોલે,
દુઆઓ ખુદાની પછીથી કરે છે!
૮૧૬૮.
નદીને ખબર છે, કિનારા ઘણા છે,
છતાં એ સમંદર ભણી દોડતી છે.
૮૧૬૯.
પરાગે ઉડીને ઘણાં બાગ જોયા,
છતાં જન્મનું ફૂલ ભૂલ્યો નથી એ.
૮૧૭૦.
અમે તો ગરીબો, દિવાળી અમારે?
ફટાકા અમારે ઉદરમાં જ ફૂટે.
૮૧૭૧.
તમે ‘ના’ કહી, તો ગઝલ મેં લખી'તી,
તમે ‘હા’ કહી હોત, તો શું લખાતું?
૮૧૭૨.
સલાહો મફતમાં, દવા સાવ મોંઘી,
અને રોગ સૌને મફત ત્યાં મળે છે!
૮૧૭૩.
ઘરે ચાર ઘડિયાળ, ટકટક બધે છે,
છતાં સાથ બેસી શકે, એ ઘડી ક્યાં?
૮૧૭૪.
પરાગે લખી વાયરા પર કહાણી,
જરા બારણું ખોલ, મ્હેકી જશે ઘર.
૮૧૭૫.
હતો વડ, હતી વાવ, ને ગામ આખું,
હવે ટાવરો, ને નળે પણ નથી જળ.
૮૧૭૬.
ભલે રાત લાંબી, ભલે તેલ ઓછું,
લડે છે, ન હારે, સવારો સુધી એ.
૮૧૭૭.
ખુશીમાં હતું ઘર ભરેલું સ્વજનથી,
વિપદમાં ન છાયા ય આવી શકી, ભઈ.
૮૧૭૮.
પરાગે ખરીને ય ના શોક કીધો,
હવા સંગ ઊડી, દિશાઓ સજાવી.
૮૧૭૯.
હતું એક દફતર, હતી એક પાટી,
હવે લૅપટોપે ન ઘૂંટાય કક્કો.
૮૧૮૦.
લગનમાં ઉડાડ્યા કરોડો ખુશીથી,
વરસ ત્રીસ ચાલ્યા, ઉધારે, ઉધારે.
૮૧૮૧.
ઝરૂખે હતી એ, નજર સાવ ખાલી,
પ્રતીક્ષા હતી કે, હતું શિલ્પ ઊભું?
૮૧૮૨.
ગઝલ સૌ લખે છે, ઘણાં રોજ લાખો,
પરાગે લખી એક, ને એ જ જીવ્યો.
૮૧૮૩.
ઘરે એક રોટી, ત્રણે બાળ ભૂખ્યાં,
કહે મા: ‘મને ભૂખ લાગી નથી, લ્યો!’
૮૧૮૪.
કદમની તળે વાંસળી સાંભળી'તી,
હજી રાધિકાનું હૃદય વાંસ જેવું.
૮૧૮૫.
ભરી રેત ખોબે, સમય જેમ સરકી,
હતી એક ભીની હથેળી જ બાકી.
૮૧૮૬.
પરાગે ગગનમાં ઉડાનો ભરી, પણ
ધરાની સુગંધે ધબકતો સદા એ.
૮૧૮૭.
મળી જ્યાં નજર, ને સમય ત્યાં જ થંભ્યો,
હજી એ જ પળમાં રહી ગ્યા અમે બે.
૮૧૮૮.
બધાને ખુશી જોઈએ છે, ભલા, પણ
ખુશી આપવાની કશે વાત ક્યાં છે?
૮૧૮૯.
ફળે ડાળ ઝૂકી, નમી એ ધરા પર,
ભરેલો જ માણસ ખરો નમ્ર હોતો.
૮૧૯૦.
ચિતામાં બળી દેહ ભસ્મી થશે, પણ
રહેશે ગઝલમાં ધબકતું હૃદય આ.
– પરાગ રતનપરા