← મુખપૃષ્ઠ · કાવ્યસંગ્રહ

છૂટા શેર ૮૧૪૧–૮૧૬૫

ઑક્ટોબર ૨૦૨૬કવિતા

૮૧૪૧.
લીમડાની ડાળ પર ઝૂલો હતો, બા પણ હતી,
આજ ઝૂલો પણ નથી, ને ડાળ પણ સૂકી પડી.

૮૧૪૨.
રોજ મંદિર જઈ ચડું, પણ ત્યાં ન દેખાતો ખુદા,
માવડીની આંખમાં તો દર્શન થયાં એ જ પળ.

૮૧૪૩.
ભાષણોમાં બાપુ, ને નોટો ઉપર પણ એ જ છે,
એકને સૌ હાથ જોડે, એકને ખિસ્સે ભરે!

૮૧૪૪.
આ પરાગે ધૂળમાં મ્હેકી જવાનું આખરે,
ફૂલ ખરતાં પણ ઉજવતું, એ જ શીખ્યો જિંદગી.

૮૧૪૫.
સાંજ ઢળતાં ખેતરેથી બાપુ પાછા આવતા,
ધૂળ પગમાં, ને ખભે હળ, હોઠ પર છે વારતા.

૮૧૪૬.
કોઈ પૂછે ‘કેમ છો?’ તો ‘ઠીક છે’ બોલું સદા,
ને પછી ઓશીકડું ભીંજાય આખી રાતભર.

૮૧૪૭.
એક બાવળ ખેતરે, ના ફૂલ, ના છે છાંયડો,
તોય માળો બાંધતી ત્યાં એક ચકલી પ્રેમથી.

૮૧૪૮.
આ પરાગે મ્હેક વેચી, ને ખરીદ્યો શ્વાસ એક,
આખરે એ શ્વાસ પણ મેં ફૂલ માટે ખર્ચિયો.

૮૧૪૯.
ફૂલને તોડી ગયા, ને ડાળ પણ ભાંગી પડી,
પ્રેમ નામે જે થયું, એ તો અહમનો ખેલ'તો.

૮૧૫૦.
પાછળે પકડી પિતાએ, સાઇકલ દોડી પડી,
હાથ છૂટ્યો ક્યાંક, ને હું દોડતો શીખી ગયો.

૮૧૫૧.
ઘર ઘણું મોટું થયું, ને ભીંત પણ ઊંચી ચડી,
ખંડ ચારે, ચાર ટીવી, ચાર જણ, સૌ એકલા.

૮૧૫૨.
આ પરાગે શબ્દની વાડી ઉછેરી પ્રેમથી,
કોઈ ચૂંટે ફૂલ, કંટક કોઈ વીણે, એ જ ખેલ.

૮૧૫૩.
તું મને શોધે ઘણું, હું ભીતરે બેઠો હતો,
બારણું બ્હારે ખખડતું, સાંકળો તો અંદરે.

૮૧૫૪.
બાળપણમાં ચાંદ મામો થાળ પાણીમાં હતો,
આજ તો ત્યાં યાન ઊતર્યું, ન મામો ત્યાં હતો!

૮૧૫૫.
મેઘ ગાજ્યો, વીજ ચમકી, ને ધરા ભીંજાઈ ગઈ,
ખેડુએ ઝૂકી ગગનને હાથ જોડી વંદના.

૮૧૫૬.
દીકરીના સાત ફેરા, ને પછી ઘર મૌન છે,
ઝાંઝરી ખખડે નહીં, ને હીંચકો ઝૂલે નહીં.

૮૧૫૭.
વર્ષભરની ફી ભરી, જિમમાં ગયો બે દી' જરી,
ને પછીથી રોજ સોફે, ફાંદ વધતી જાય છે!

૮૧૫૮.
ખુદ બળીને જે ઉજાળે, એ જ દીવો સંત છે,
ને ધુમાડો જે કરે, એ ભીડ ખાલી ભક્ત છે.

૮૧૫૯.
પુસ્તકોનાં ભાર નીચે બાળપણ ચગદાઈ ગ્યું,
માર્ક તો આવ્યા ઘણા, પણ હાસ્ય તો ખોવાઈ ગ્યું.

૮૧૬૦.
આ પરાગે ફૂલ જોયાં પ્લાસ્ટિકી આ બાગમાં,
મ્હેક ના, ભમરો ય ના, બસ રંગ છે ને ધૂળ છે.

૮૧૬૧.
ઓટલે બા રાહ જોતી, કાગ બોલે તો હસે,
કોઈ ના આવે, છતાં એ કાગને ખવડાવતી.

૮૧૬૨.
એક છત્રી, બે જણા, ને મેઘ પણ ઘનઘોર છે,
આયખું ગ્યું, તોય નાની ના પડી છત્રી, સખી.

૮૧૬૩.
ભીખ માગે છે ગલીમાં એક બાળક ભૂખથી,
ને મહાભોગે ધરાયા દેવ મંદિરમાં, જુઓ!

૮૧૬૪.
પાનખર ગઈ, ડાળ પર ફૂટી ફરી કૂંપળ નવી,
દુઃખના દિવસો ય જાશે, એ જ કુદરતની કથા.

૮૧૬૫.
રાતભર તારાં સ્મરણ, ને ચાંદની છે ઓરડે,
તું નથી, પણ તું બધે છે, આ વિરહને શું કહું?

– પરાગ રતનપરા

શેર
← પહેલો લેખછૂટા શેર ૮૧૧૬–૮૧૪૦આગલો લેખ →છૂટા શેર ૮૧૬૬–૮૧૯૦