← મુખપૃષ્ઠ · કાવ્યસંગ્રહ

છૂટા શેર ૮૦૬૬–૮૦૯૦

ઑક્ટોબર ૨૦૨૬કવિતા

૮૦૬૬.
બારણે ઊભી રહી મા રોજ સાંજે રાહમાં,
ને અમે પરદેશમાં પણ આજ ઘરને ઝંખતા.

૮૦૬૭.
ઓસરીમાં ધૂપ જેવી બા હજી મ્હેકી રહે,
એ ગયાં, પણ ઘર હજી એના જ શ્વાસે જીવતું.

૮૦૬૮.
આયનાએ એક દી' પૂછ્યું મને, તું કોણ છે?
ને પછીથી રોજ એને ઢાંકતો હું વસ્ત્રથી.

૮૦૬૯.
ચોપડીમાં ફૂલ સૂકું, ને હજી એની મહક,
વર્ષ વીત્યાં, તોય પાનું એ જ પાછું ઊઘડે.

૮૦૭૦.
ચાંદનીની શાલ ઓઢી ગામ સૂતું શાંત છે,
એક દીવો જાગતો, ને એક ડોશી જાગતી.

૮૦૭૧.
આંગણું સૂનું થયું, ને ઢીંગલી રોતી રહી,
બાપ ઊભો ઓટલે, ને આંખ બંને છે સજળ.

૮૦૭૨.
વાયદાની પોટલી લઈ આવતા નેતા ફરી,
ગામ પણ હસતું હતું, ને એ ય હસતા જાય છે.

૮૦૭૩.
હાથમાં તો ફોન, માથું રાતદિન ઝૂક્યા કરે,
આ નવી પેઢી જુઓ, સૌ પ્રાર્થનામાં હોય છે!

૮૦૭૪.
ખેતરે વરસાદ આવ્યો, ખેડુએ ગાયું ભજન,
આભ સાથે એક એનો પત્ર-વ્યવહારો હતો.

૮૦૭૫.
આ પરાગે ફૂલને પૂછ્યું, તને શાનો ગરવ?
ફૂલ બોલ્યું, મ્હેક તારી, નામ મારું થાય છે.

૮૦૭૬.
જે ક્ષણે મેં હાર માની, એ ક્ષણે જીતી ગયો,
પ્રેમમાં હારેલને મળતો સદાયે તાજ છે.

૮૦૭૭.
રાતભર જાગી ગઝલ લખતો હતો એના વિશે,
ને સવારે એ જ પૂછે: કેમ આંખો લાલ છે?

૮૦૭૮.
વૃક્ષ કાપી, ભીંત પર લીલો બગીચો ચીતરી,
ને લખાવ્યું: ‘વૃક્ષ વાવો, ને બચાવો આ ધરા!’

૮૦૭૯.
શ્વાસ લેવાનો ય હપ્તો ચાલતો આ શ્હેરમાં,
ને હવાની લોન આપે બૅન્ક સસ્તા વ્યાજથી!

૮૦૮૦.
વાંસળીમાં છેદ છે, એથી જ એ ગાતી રહી,
જે હૃદય વીંધાય, એમાંથી જ સૂરો નીકળે.

૮૦૮૧.
રેતમાં પગલાં હતાં, ને સાગરે ભૂંસ્યાં બધાં,
તોય એ ભીની જગા પર યાદ ઊગી નીકળી.

૮૦૮૨.
જે દિવસ એ ગ્યા, ગયું સૌ તેજ ઘરમાંથી, અને
એક ચશ્માંનું ઘસાયું બૉક્સ ટેબલ પર હજી.

૮૦૮૩.
મંદિરે ઘંટો વગાડી સૌ જગાડે દેવને,
ભીતરે સૂતેલ તુજને કોણ ઊઠાડે, કહે?

૮૦૮૪.
દોસ્ત આવ્યો, ને ફરી એ કીટલી, ને એ જ ચા,
એ જ બાંકો, એ જ મસ્તી, ઉમ્ર પાછી સોળની.

૮૦૮૫.
આ પરાગે શબ્દ વાવ્યા, ને વસંતો પાંગરી,
કોઈ લણવા આવશે, એ આશ પર જીવી ગયો.

૮૦૮૬.
રોજ લખતો પત્ર પ્રભુને, પણ ન સરનામું મળે,
ડાકિયો મરકી કહે, ‘પેટી તમારી ભીતરે.’

૮૦૮૭.
ભીડમાં ખોવાઈ બેઠો, સૌ મને શોધ્યા કરે,
હું મને મળવા ગયો, તો દ્વાર પર તાળું હતું.

૮૦૮૮.
જિંદગી નાટક બની, ને આખરે પડદો પડે,
લોક તાળી પાડતા, પણ કોઈ ના સમજે કથા.

૮૦૮૯.
ગામનો પાદર હજી પૂછ્યા કરે છે સૌ કને:
ક્યાં ગયા એ છોકરા, જે આંબલી પર ઝૂલતા?

૮૦૯૦.
સૂર્ય પણ થાકી ઢળે છે સાંજના દરિયા તળે,
તોય પાછો રોજ ઊગે, એ જ સાચી શીખ છે.

– પરાગ રતનપરા

શેર
← પહેલો લેખએક ઓશીકા જેટલુંઆગલો લેખ →છૂટા શેર ૮૦૯૧–૮૧૧૫