છૂટા શેર ૮૦૨૪–૮૦૫૩
૮૦૨૪.
ચાંદ મામા હતા બાળપણમાં, હવે
ચાંદ પર પ્લોટ વેચાય છે ભાવથી.
૮૦૨૫.
મા પુકારે, ‘જમી લે!’ હજી કાનમાં,
ભૂખ સાથે જ ઘર ત્યાં રહી ગ્યું, સખા.
૮૦૨૬.
લગ્નમાં ભેટનું પૅક ખોલ્યું, અને
નીકળી ત્યાં ફરી એ જ ઘડિયાળ, લો!
૮૦૨૭.
મેઘ આવ્યો નહીં, તોય ભીંજ્યો ઘણો,
‘આવજે’ તું કહે, એ જ ઝરમર બને.
૮૦૨૮.
ફૂલ વેચાઈ ગ્યાં હાટમાં સામટાં,
આ પરાગ જ હવામાં ફરે મુક્ત થઈ.
૮૦૨૯.
સિગ્નલે લાલ લાઇટ હતી, તોય પણ
હોર્ન વાગ્યા કરે, જાન જાણે જતી.
૮૦૩૦.
ડેમ બાંધી નદી કેદ કીધી, અને
ગામ નીચે તરસથી મરે છે હવે.
૮૦૩૧.
સાઇકલ બાપની, હું ય પાછળ હતો,
આજ ગાડી મળી, બાપ પાછળ નથી.
૮૦૩૨.
તું હસી, ને શિયાળો વસંતી થયો,
તું રડી, ને થયો મેઘ ગાલો ઉપર.
૮૦૩૩.
આ પરાગે ભ્રમરને કહી વાત એ,
મધ ભલે લે, ન તોડીશ ફૂલો કદી.
૮૦૩૪.
દીકરો દૂર, ને બાપ ચાલ્યા ગયા,
વીડિયો કૉલમાં આગ દીધી ચિતા.
૮૦૩૫.
ભાર ડિગ્રી તણો લઈ ફરું રોજ હું,
ને જગા એક ખાલી ન મળતી કશે.
૮૦૩૬.
બા નથી, લીમડો આંગણે છે હજી,
છાંયડે માવડીનો જ ખોળો મળે.
૮૦૩૭.
તખ્ત મળતાં જ ઊંચું ગયું નાક, ને
ગામની ધૂળ ભૂલાઈ ગઈ એ ક્ષણે.
૮૦૩૮.
કૂપ સૂકો થયો, બેડલાં રણઝણે,
ગામનાં ગીતમાં પણ તરસ ઝળહળે.
૮૦૩૯.
પુસ્તકો ધૂળમાં, ને જગત ફોનમાં,
જ્ઞાન તો ‘શેર’ થાતું, ન વંચાય પણ.
૮૦૪૦.
રાતના બાર વાગ્યા, હજી એ નથી,
દીવડો રાહમાં ઝળહળે બારણે.
૮૦૪૧.
રેત પર નામ તારું લખી, ને પછી
લ્હેર ચૂમી, ન ભૂંસ્યું જરી નામ એ.
૮૦૪૨.
પૌત્ર ખોળે રમે, ત્યાં થયું દાદુને,
ઘડપણે બાળપણ આવિયું ફેરથી.
૮૦૪૩.
શબ્દના બાગમાં ફૂલ રોપ્યાં ઘણાં,
આ પરાગે ઉછેર્યા ગઝલરૂપમાં.
૮૦૪૪.
રેલ દોડે, અને ઝાડ દોડે બધાં,
માત્ર બારી ઉપર બાળપણ એકલું.
૮૦૪૫.
ટેબલે ચાર જણ, ચાર ફોનો વળી,
થાળ ઠંડો થયો, ને ઠરી વાત પણ.
૮૦૪૬.
ઘડ વળેલી પડી એક સાડી હજી,
ગડ મહીં મ્હેક બાની વસી છે, સખા.
૮૦૪૭.
ફૂલ ખીલ્યું, અને ભમર આવ્યો, પછી
આ પરાગે જ ફળને જનમ આપિયો.
૮૦૪૮.
ડૉક્ટરે ઢગ દવાઓ લખી, ને કહે:
‘ખુશ રહો, એ જ સાચી દવા છે, સખા.’
૮૦૪૯.
કરજ વધતું ગયું, પાક ઘટતો ગયો,
ઝાડ પર દોરડું, ને પછી મૌન બસ.
૮૦૫૦.
તું ગઝલ, હું રદીફ જ ફરું પાછળે,
કાફિયા સમ જગત તો બદલતું રહે.
૮૦૫૧.
આભમાં એક તારો નવો ઝળહળે,
બાળ બોલ્યું: ‘ઉપર બા હસે છે, જુઓ.’
૮૦૫૨.
હું મટું, ત્યાં જ તું ઝળહળે, ઓ ખુદા,
ફૂલ જ્યાં ઓગળે, ત્યાં પરાગ જ રહે.
૮૦૫૩.
પેન્શને જીવનો દાખલો માગિયો,
રૂબરૂ તોય એ માગતા’તા સબૂત.
– પરાગ રતનપરા