← મુખપૃષ્ઠ · કાવ્યસંગ્રહ

છૂટા શેર ૭૯૧૯–૭૯૫૮

ઑક્ટોબર ૨૦૨૬કવિતા

૭૯૧૯.
આયને જોઈ મેં એક ધોળો જ વાળ,
ને યુવાની હસીને વિદાયે હતી.

૭૯૨૦.
રાતભર મા ઉજાગર કરી જાગતી,
ને સવારે પ્રથમ એ જ ઊઠી જતી.

૭૯૨૧.
બાપની વાત કડવી હતી ઝેર શી,
આજ સમજાય, સાચી દવા એ હતી.

૭૯૨૨.
દીકરી આંગણાનું હતી ગીત જે,
સાસરે આજ એ થઈ ગઝલ દર્દની.

૭૯૨૩.
દ્વારિકાનો ધણી થઈ ગયો શ્યામ, પણ
વાંસળી તો રહી ગોકુળે મૌન થઈ.

૭૯૨૪.
આભથી એક ટીપું ઢળે ગાલ પર,
ને થયું, તું મને યાદ કરતી હશે.

૭૯૨૫.
આ પરાગે કહી વાત બસ એટલી,
ફૂલ ખરશે, છતાં મ્હેક તો જીવશે.

૭૯૨૬.
ગામ છોડી નગરમાં ગયો, ને હવે
ગામ ભીતર મહીં સાંભરે રાતદી.

૭૯૨૭.
શીશ નમતાં જ ઝૂક્યું ગગન સામટું,
ઇશ્કમાં ના રહે ઊંચ કે નીચ કો.

૭૯૨૮.
રાખ થઈ દેહ ઊડ્યો હવામાં પછી,
શ્વાસ જે ચાલતો, એ પવન થઈ ગયો.

૭૯૨૯.
કાલને રોકવા હું ઘણું દોડતો,
આજ પાછળ રહી, ને હસી આખરે.

૭૯૩૦.
શબ્દ છૂટ્યો, ન પાછો વળે એ કદી,
તીર જેવો હતો, મન ઘવાયું ઘણું.

૭૯૩૧.
ઝૂંપડીમાં ન દીવો, ન કો વાટ પણ,
ત્યાં જ ચાંદો ઉતરતો રહે રાતભર.

૭૯૩૨.
મ્હેક પકડી શકે કોણ પણ હાથમાં?
આ પરાગ જ ઉડે દૂર લઈ મ્હેકને.

૭૯૩૩.
રાત લાંબી ભલે હોય, તો શું થયું?
એક તારો ય દેખાડશે માર્ગ તો.

૭૯૩૪.
દોસ્ત જૂનો મળે, ને સમય સૌ ગળે,
વીસ વરસો ખરે એક તાળી મહીં.

૭૯૩૫.
ગ્રીન ટી પી, અને ફાફડા ખાઈ લો,
આમ ડાયટ નભાવ્યું અમે, લો હવે.

૭૯૩૬.
બાળકો ફોનમાં ખોઈ બેઠા નજર,
ને પતંગો હવે આભ શોધ્યા કરે.

૭૯૩૭.
તું મળી, તો મને હું ય પામી ગયો,
આયનો પણ હવે ઓળખે છે મને.

૭૯૩૮.
આ પરાગે લખી રોજ ગઝલો ઘણી,
ને ઘરેથી કહે: ‘શાક લાવો હવે!’

૭૯૩૯.
ડૉલરો લાખ છે, ગામ ખોવાઈ ગ્યું,
ફોનમાં ‘કેમ છે?’ પૂછતી બા હજી.

૭૯૪૦.
છાપરું રાતભર ચૂવતું, ને છતાં
બાળકો ઓરડે નાવ મૂકી હસે.

૭૯૪૧.
દૂધ ચડતું સદા પથ્થરે રોજ, ને
બાળ ભૂખ્યું રડે મંદિરે બારણે.

૭૯૪૨.
રોજ દર્પણ મને જોઈ હસતું ભલે,
ભીતરે શું, ન જાણી શકે આયનો.

૭૯૪૩.
ઓસરી એકલી રાહ જોતી રહે,
ભીંત પર બાપુ હસતા છબીમાં હજી.

૭૯૪૪.
શબ્દ વેચાય છે આજ હાટે ઘણા,
અર્થ તો ભૂખથી ટળવળે રાતદી.

૭૯૪૫.
ફોનને ચાર્જ કરતો રહું રાતભર,
જાત મારી રહે સાવ ડિસ્ચાર્જ, લો.

૭૯૪૬.
દ્વાર વાસ્યું નથી મેં કદી, ઓ સખી,
તું ન આવી, પવન આવતો રોજ પણ.

૭૯૪૭.
મ્હેક વેચી નહીં, બસ વહેંચી બધે,
આ પરાગે કમાણી કરી પ્રેમની.

૭૯૪૮.
સૂર્ય ઊગે અને ખેતરે જાય એ,
સૂર્ય ઢળતાં ય એ ખેતરે હોય છે.

૭૯૪૯.
ફાગણે ખાખરો આજ રાતો થયો,
ને ગુલાલે ગલી ગામની ઝળહળે.

૭૯૫૦.
પત્ર જૂના જડે માળિયે, ને પછી
બા ફરી જીવતી થાય અક્ષર મહીં.

૭૯૫૧.
ભીડ છે ચોતરફ, તોય એકાંત છે,
ભીતરે મૌન ગાજે ઘટાટોપ થઈ.

૭૯૫૨.
દસ્તખત એક લેવા ઘસાયા ચરણ,
‘કાલ આવો’ કહે, બાબુ ગલ્લે ગયા.

૭૯૫૩.
ઝાડ કાપ્યું તમે, નીડ ક્યાં જઈ રહે?
શું ભરે એ ય ભાડું હવે ફ્લેટનું?

૭૯૫૪.
વાંસ પોલો હતો, તો જ વાગ્યો મધુર,
હું ય ખાલી થઉં, તો તને વાગવું.

૭૯૫૫.
બાગમાં સૌ ગયાં ફૂલ ચૂંટી અને
આ પરાગ જ હતો ડાળ પર એકલો.

૭૯૫૬.
બાપ દઈ ગ્યો દહેજે બધું ઘર, છતાં
સાસરે રોજ મ્હેણું સુણે દીકરી.

૭૯૫૭.
બીજ દાટ્યું ઉદાસી તણી ધૂળમાં,
ત્યાં જ ઊગી ગયું ઝાડ મુસ્કાનનું.

૭૯૫૮.
‘હું જ સાચો’ હતો એ જ ભ્રમ, ને પછી
આયનાના જ ટુકડે હતો હું જ હું.

– પરાગ રતનપરા

શેર
← પહેલો લેખછૂટા શેર ૭૮૬૬–૭૯૧૮આગલો લેખ →છૂટા શેર ૭૯૫૯–૭૯૬૮