← મુખપૃષ્ઠ · કાવ્યસંગ્રહ

છૂટા શેર ૭૬૬૬–૭૭૦૫

ઑક્ટોબર ૨૦૨૬કવિતા

૭૬૬૬.
બારણે ઊભી રહીને રાહ જોતી રોજ મા,
દીકરો દેખાય છે, પણ ફોનના કાચે જ બસ.
૭૬૬૭.
ચાંદની આખી ય પીધી, પણ તરસ છીપી નહીં,
એક ખોબા ઝાકળે આપ્યો મને સંતોષ સૌ.
૭૬૬૮.
આ નગરમાં સૌ મળે છે, હાથ પણ ઝાલે બધા,
કોઈ દિલથી પણ મળે, એ દિન હજી આવ્યો નથી.
૭૬૬૯.
પાન ખરતું જોઈને રડ ના હવે, ઓ મન, જરા,
એ જ તો આવી વસંતે કૂંપળો થઈ ફૂટશે.
૭૬૭૦.
છાપરું તૂટ્યું, છતાં એ ઝૂંપડીએ ના રડી,
ચાંદને અંદર ઉતારી રાતભર વાતો કરી.
૭૬૭૧.
શું કમાયો જિંદગીભર? કોઈએ પૂછ્યું મને,
આંખનાં બે આંસુ ધર્યાં: આ જ મારી સંપદા.
૭૬૭૨.
ભીડ વચ્ચે ખોઈ દો ખુદને જરા, તો જોઈ લો,
ઓળખે ના કોઈ ત્યાં, ખુદને મળી લેવાય છે.
૭૬૭૩.
ડાયરીના પાછલા પાને હજી તારું જ નામ,
શેષ પાનાં તો સમયની ધૂળમાં ઝાંખાં થયાં.
૭૬૭૪.
ઝાંઝવાંને પી ગયા, ને તોય બોલ્યા: તૃપ્ત છું,
જૂઠને સાચું બનાવે, એ કલા જીવન તણી.
૭૬૭૫.
ગામને પાદર હજી પણ વૃદ્ધ વડલો એકલો,
સૌ ગયાં પરદેશ, એ સાક્ષી બનીને જાગતો.
૭૬૭૬.
ફૂલ ચૂંટીને ચડાવ્યાં, દેવ રાજી થઈ ગયા,
ડાળ પર રડતી રહી એ મા, તમે ના જોઈ પણ.
૭૬૭૭.
ઓટલે ચકલી તણો માળો હતો વરસો સુધી,
એ જગા પર આજ ઊભા દસ-મજલના ટાવરો.
૭૬૭૮.
માવડીના હાથની એ ખીચડીનો સ્વાદ ક્યાં?
હોટલોમાં ક્યાં મળે એ હૂંફનો એ કોળિયો.
૭૬૭૯.
માંદગીમાં બાળની, મા રાતભર જાગી હતી,
સાવ સાજો થઈ ગયો, ને મા પડી ગઈ ખાટલે.
૭૬૮૦.
ભાષણે બોલ્યા, વહે છે દૂધની ગંગા બધે,
ને ગલીમાં નળ સુકાયા, બેડલાં ખાલી થયાં.
૭૬૮૧.
ડૉક્ટરે કીધું: ઘટાડો ખાંડ, ઘી ને તેલ સૌ,
ને લગનમાં થાળ જોતાં સૌ સલાહો ઓગળી.
૭૬૮૨.
એ ગયો, ને બારણે બેસી રહી છે સાંજ પણ,
દીવડો કરતાંય ભૂલી, રાત પણ ઊભી રહી.
૭૬૮૩.
ઝાડ કાપીને ઘડી ખુરશી બધી સરકારની,
એ જ પર બેસી કહે: વૃક્ષો બધાએ વાવવાં.
૭૬૮૪.
ગામ પાસે જે નદી'તી, રેત ત્યાં ઊડ્યા કરે,
માછલી જેવું તરસતું બાળપણ મારું તહીં.
૭૬૮૫.
આંસુઓ સંતાડવા વરસાદમાં ચાલ્યો હતો,
પણ ઝરૂખેથી કહે બા: કેમ રડતો, દીકરા?
૭૬૮૬.
પત્ર તો લખવા ઘણા છે, પણ લખું કોને હવે?
તું જ મારું ઘર હતી, ને એ ઘરે તાળું હવે.
૭૬૮૭.
આ પરાગે ફૂલને પૂછ્યું: મરણ એ શું હશે?
ફૂલ બોલ્યું: મ્હેક થઈને સૌ મહીં ભળવું બધે.
૭૬૮૮.
સાચ બોલ્યો એ ઘડીથી હું થયો છું એકલો,
જૂઠના મેળે બધા સાથે હતા, હસતા હતા.
૭૬૮૯.
દીકરીની જાન ચાલી, આંગણું સૂનું થયું,
ઓસરીએ એકલી તુલસી હવે પીળી પડે.
૭૬૯૦.
એક ઘરમાં ઓરડા છે ચાર, ને જણ ચાર છે,
ચાર સ્ક્રીનો ઝળહળે, ને ઘર મહીં અંધાર છે.
૭૬૯૧.
શ્વાસ ગણવામાં જ અડધું આયખું વીતી ગયું,
જિંદગી સમજાઈ જ્યાં, ત્યાં તો સમય પૂરો થયો.
૭૬૯૨.
આ પરાગે ઝાકળે ચાંદો ઉતાર્યો રાતભર,
ને સવારે ફૂલ બોલ્યું: મુજ મહીં તો ચાંદ છે.
૭૬૯૩.
ઝાડની છાયા તળે બેસી કદી જોયું તમે?
કેટલું આપે છતાં એ ના કશું યે માગતું.
૭૬૯૪.
કાલ જે ભૂખ્યો હતો એ આજ નેતા થઈ ગયો,
આજ એ ભૂખ્યા જનોના આંકડા ગણતો ફરે.
૭૬૯૫.
ઝૂંપડી બળતી રહી, ને છાપવાળા આવિયા,
રાખ પર ઊભા રહીને ગામ જાણીતું થયું.
૭૬૯૬.
કોડિયું નાનું ભલે, સૂરજ સમું લાગ્યું મને,
ઝૂંપડીમાં એ બળે છે, ભૂખ ભૂલે બાળકો.
૭૬૯૭.
વાંસળીના સૂર સાંભળતાં જ મીરાં નાચતી,
ઝેરનો પ્યાલો ય એને ગોરસે મીઠો થયો.
૭૬૯૮.
પૂછતી રાધા: 'કહો, શું જોઈએ તમને હવે?'
શ્યામ બોલ્યા: બસ, તને ખોયા વિનાની જિંદગી.
૭૬૯૯.
ખેતરે ઊભો રહી આકાશ જોતો ખેડુ, ને
વાદળું એક જ ચડે, ત્યાં તો હૃદય ગાવા ચડે.
૭૭૦૦.
લોન લઈને બીજ વાવ્યાં, મેઘ ના આવ્યો પછી,
વ્યાજ ઊગે છે હવે તો બાપના માથે બધું.
૭૭૦૧.
જિમ તણી ફી પણ ભરી, લીધા નવા બૂટો ય ભાઈ,
ને હવે સોફે પડીને ફોન પર કસરત જુએ.
૭૭૦૨.
માંડવે ભોજન હતું ભરપૂર, ગાજ્યા ઢોલ પણ,
સૌ જમીને ગ્યા, ન પૂછ્યું કોણ દુલ્હો'તો અહીં.
૭૭૦૩.
આજ પરદેશે મળી છે સાહ્યબી સઘળી, છતાં
સાંજ પડતાં યાદ આવે ગામનો એ ખાટલો.
૭૭૦૪.
હાથ પીળા દીકરીના થઈ ગયા, ને એ પછી
બાપ ઊંબર પર હજી બેસી રહે છે સાંજના.
૭૭૦૫.
મોતને મળવા જવું છે, તો ય તૈયારી ન કર,
સાવ સાદો થઈ જજે, એ ઓળખી લેશે તને.
– પરાગ રતનપરા

શેર
← પહેલો લેખતું ન હોત તોઆગલો લેખ →છૂટા શેર ૭૭૦૬–૭૭૪૧