છૂટા શેર ૬૩૬૬–૬૩૯૦
૬૩૬૬.
ફૂલ પર ઝાકળ નિહાળી, સૌ કરે છે વાહ વાહ,
એ જ ઝાકળ આંખમાં હો, તો કહે સૌ: ‘કાયરો’.
૬૩૬૭.
વારતા દાદી કહેતી, ને અમે ઊંઘી જતાં,
આજ ફોને બાળ જાગે, વારતા ભૂખી મરે.
૬૩૬૮.
પ્રેમમાં તો ચાંદ-તારા લાવવા તૈયાર'તો,
શાક ભૂલું લાવવાનું, ત્યાં પડે છે ગાળ, લ્યો.
૬૩૬૯.
રાતભર ચોકી કરે એ, ને નગર સૂતું રહે,
લાલ આંખોનું કદી કારણ ન પૂછે કોઈ પણ.
૬૩૭૦.
આ પરાગે આંસુઓ વાવ્યાં હતાં જે ખેતરે,
ગીતનો ત્યાં પાક આવ્યો, ને ચણે પંખી બધાં.
૬૩૭૧.
બુંદ દરિયે ઓગળીને થઈ ગયું સાગર સ્વયં,
હું ય ખોઉં જાત, તો ઈશ્વર બનું, એ પણ સ્વયં.
૬૩૭૨.
બાજુવાળાની નવેલી કાર દેખી, ત્યારથી
આંગણે મારું ય સ્કૂટર શરમથી ઝૂકી ગયું.
૬૩૭૩.
ગામના કૂવે હવે ના કોઈ પનિહારી રહી,
નળ ઘરોમાં થઈ ગયા, ને ગીત ખોયાં ઘાટનાં.
૬૩૭૪.
તું હસે છે, ને ગુલાબો શરમથી ઝૂકી જતાં,
તું રડે, તો વાદળો પણ મૌન થઈ વરસી પડે.
૬૩૭૫.
પત્રમાં જૂના, ગુલાબી પાંખડી સૂકી મળી,
રંગ ઊડ્યો, તો ય તારી મ્હેક એની એ જ છે.
૬૩૭૬.
જ્યાં સુધી ભમરા રમે છે ફૂલની ચારે તરફ,
ત્યાં સુધી જીવી જશે મારી પરાગી જાત પણ.
૬૩૭૭.
ભીડ પણ ભાડે હતી, તાળી ઉછીની સૌ હતી,
સાચ તો બસ એક: નેતાના ગળાનો હાર'તો.
૬૩૭૮.
માત કેરા હાથ કાળા, રોટલી ધોળી ઘણી,
રાખ ચૂલાની ચડી, ને ઘર ઉજાળ્યું ચાંદથી.
૬૩૭૯.
સોમવારે દર્દ માથે, શુક્રવારે નાચ છે,
જિંદગી અઠવાડિયે બસ બે દિવસ જીવાય છે.
૬૩૮૦.
દેહ જૂનું વસ્ત્ર, એને ત્યાગવામાં શોક શો?
આતમાનો સાદ: ‘ચાલો, ઘર ભણી પાછા વળો.’
૬૩૮૧.
માતૃભાષામાં જ રડવું સાવ સાચું લાગતું,
અન્ય ભાષામાં હસું, પણ આંસુ મારાં ગુર્જરી.
૬૩૮૨.
આ પરાગે બંધ મુઠ્ઠીમાં જરા ખુશ્બૂ ભરી,
ખોલવા જ્યાં ગ્યો, હવામાં ગામ આખું મ્હેકિયું.
૬૩૮૩.
ફોન આવે રોજ માનો, ‘રોટલી ખાધી ખરી?’
ભૂખ મારી માપવા મા સાત દરિયા ઠેકતી.
૬૩૮૪.
રોજ સાંજે એ ગલીમાં નીકળે, જોયા કરું,
સાસરે એ જઈ વસી, ને હું ગલી તાક્યા કરું.
૬૩૮૫.
પાનખરમાં ઝાડ હસતાં છોડતું સૌ પાંદડાં,
એ ભરોસે, કે વસંતો આવવાની છે ફરી.
૬૩૮૬.
આ પરાગે ગીત ગાયું, ત્યાં જ ભમરો ગુંજિયો,
કોણ મીઠું ગાય છે, એ વાત પર ઝઘડો થયો.
૬૩૮૭.
બાપ મારો આભનો તારો થયો છે ક્યારનો,
રાતભર ચીંધે મને એ રાહ, જો ભૂલો પડું.
૬૩૮૮.
રંગ સૌએ છાંટિયા, પણ ભીતરે કોરું બધું,
એક ચપટી તેં ઉડાડ્યો, ને થયો ફાગણ બધો.
૬૩૮૯.
જીવતાંની ના ખબર, ને બેસણે છે ભીડ સૌ,
ને છબી પર હાર, ભીતર ભાગલાની વાત છે.
૬૩૯૦.
આ પરાગે ના કશું માગ્યું, છતાં ઝોળી ભરી,
આપનારો તો હવા છે, ને હવાનો શો હિસાબ?
– પરાગ રતનપરા