← મુખપૃષ્ઠ · કાવ્યસંગ્રહ

છૂટા શેર ૬૩૯૧–૬૪૧૫

ઑક્ટોબર ૨૦૨૬કવિતા

૬૩૯૧.
પિતાના ખભેથી નિહાળ્યું જગત મેં,
હવે એ જ કાયા ઉપાડી સ્મશાને.

૬૩૯૨.
ઝરૂખે બળે દીપ, સૂની ગલી છે,
હજી કોઈ આવે, ઉમેદે જલી છે.

૬૩૯૩.
કમાણી અમારી, ખરચ શ્રીમતીનો,
અમે માત્ર ગલ્લો, સદા ફૂટવાના.

૬૩૯૪.
તને શોધતાં જાત મેં તો ગુમાવી,
અને ત્યાં જ જોયો, મહીં તું વસેલો.

૬૩૯૫.
ભલે મેહ વરસે, ભલે વીજ ઝબકે,
અમારે છતેથી ટપકતી ઉદાસી.

૬૩૯૬.
પરાગે ગઝલમાં સુગંધો પરોવી,
પવન લઈ ગયો, ને જગત ગાય છે એ.

૬૩૯૭.
હતું ગામ, ગાયો, હતી સાંજ ધૂળી,
હવે શ્હેરમાં સાંજ ઍલાર્મથી થાય.

૬૩૯૮.
તમે આવશો, એ જ આશે ઝરૂખે
જલે સાંજ દીવા, ઠરે છે સવારે.

૬૩૯૯.
મને ડૉક્ટરે ના કહી ખાંડ, મીઠું,
હવે જિંદગી આ, બની સાવ મોળી.

૬૪૦૦.
અમાસે ય મા ચાંદ શોધે ગગનમાં,
વિદેશે જુએ દીકરો એ જ ચાંદો.

૬૪૦૧.
પરાગે ન માગી કદી કોઈ ઓળખ,
હવા સાથ ઊડી, હવા થઈ ગયો એ.

૬૪૦૨.
ફળીમાં હતા દોસ્ત, ધૂળે રમત'તી,
હવે મિત્ર ફોને, રમત સ્ક્રીન પર છે.

૬૪૦૩.
ગરીબી હટાવો, હતું સૂત્ર સાચું,
ગરીબો ગયા, પણ ગરીબી રહી ગઈ.

૬૪૦૪.
ગુલાબી કવરમાં હતો પત્ર તારો,
હજી બંધ છે, ને હજી મ્હેક એની.

૬૪૦૫.
ઘડી આવશે, ને જવું છે બધાંને,
ભલે રાય હો કે ભિખારી ગલીનો.

૬૪૦૬.
નથી બાગ મારે, નથી ફૂલ-ક્યારી,
છતાં રોજ ઝાંપે ગવાતું પ્રભાતી.

૬૪૦૭.
સવારે ગુલાબો, બપોરે સુવાક્યો,
સગાં ‘ફૉરવર્ડે’ જ ભેગાં થતાં સૌ.

૬૪૦૮.
પરાગે સુણી'તી કળીની કહાણી,
ઘડી મ્હેકવું, એ જ જીવન કળીનું.

૬૪૦૯.
કિનારે સજી રાહ જોતી ખલાસણ,
નયનનાં ય પાણી સમંદર સમાં છે.

૬૪૧૦.
ગયા દાંત, ઝાંખી નજર બેઉ જણની,
છતાં હાથ પકડી ફરે બાગમાં, લ્યો.

૬૪૧૧.
ઉઠે મા સવારે, પછી ઠેઠ રાતે
પડે ખાટલે, ને સપનમાં ય ચૂલો.

૬૪૧૨.
અરીસો કહે, ‘વાળ ધોળા થયા છે’,
હજી દિલ કહે: ‘સોળ વરસો જ છે તો.’

૬૪૧૩.
પરાગે હવાના કને વાત કીધી,
હવાએ જગતને ગઝલ થઈ સુણાવી.

૬૪૧૪.
નદી સાવ સૂકી, પડી રેત-હોડી,
ખલાસી ગયો શ્હેર, રિક્ષા ચલાવે.

૬૪૧૫.
પરાગી હતો, હું પવન થઈ ગયો છું,
હવે ફૂલ પૂછે: ‘કશે છે સુગંધી?’

– પરાગ રતનપરા

શેર
← પહેલો લેખછૂટા શેર ૬૩૬૬–૬૩૯૦આગલો લેખ →છૂટા શેર ૬૪૧૬–૬૪૪૦