← મુખપૃષ્ઠ · કાવ્યસંગ્રહ

છૂટા શેર ૫૨૬૬–૫૩૪૩

ઑક્ટોબર ૨૦૨૬કવિતા

૫૨૬૬.
કોઈ આવે કે ન આવે, બારણું ખુલ્લું રહે,
આ જ તો માનો નિયમ, ને આજ પણ પાળ્યો અમે.

૫૨૬૭.
રાતભર ચાંદો છુપાયો લીમડાની ડાળમાં,
એ ય જાણે કોઈની ઝાંખી ઝલક ઝંખ્યા કરે.

૫૨૬૮.
આયને જોયું, મને લાગ્યું: પિતા ઊભા હતા,
વાળ ધોળા, ભાર ખભ્ભે, એ જ ખાંસી, એ જ ચાલ.

૫૨૬૯.
કેટલાં વર્ષો પછી એ ગામમાં પાછો ગયો,
ઝાડ ઓળખતાં હતાં, ને લોક સૌ ભૂલી ગયા.

૫૨૭૦.
વાદળે ખેતર ઉપર ચીઠ્ઠી લખી વરસાદની,
ને ધરાએ મોલમાં ગાયું ખુશીનું ગીત ત્યાં.

૫૨૭૧.
ભીડમાં ઊભો રહી ગણતો હતો પગલાં બધાં,
એક પણ પગલું ન મારા ઘર તરફ વળતું હતું.

૫૨૭૨.
જિંદગી આખી ઘડી જોયા કરી, તો પણ ‘પરાગ’,
એ જ સાંજે ફૂલ ખરવાનો સમય ચૂકી ગયો.

૫૨૭૩.
એક ટહુકો મોરનો ને ડુંગરા ગાજ્યા બધા,
સાદ નાનો હોય તો પણ આભ આખું ઝીલતું.

૫૨૭૪.
રોટલી ઠંડી પડી, ને રાહ જોતી મા ઠરી,
ફોન આવ્યો દીકરાનો: ‘કામ છે, મોડું થશે.’

૫૨૭૫.
કાગળે લખવું હતું બસ નામ તારું એકલું,
ને કલમમાંથી વહી ગ્યા સાત દરિયા વેગથી.

૫૨૭૬.
લોક પૂછે છે, ‘ગઝલમાં આટલી ભીની વ્યથા?’
શું કહું? એની વ્યથાથી તો ગઝલ જીવે અહીં.

૫૨૭૭.
બાળકે પૂછ્યું: ‘સિતારા આભમાં કોણે મઢે?’
બા કહે: ‘જે જાય છે, એ રાતભર જાગ્યા કરે.’

૫૨૭૮.
હાથમાં રેખા ઘણી છે, એક પણ તારી નથી,
જ્યોતિષી પણ ચૂપ છે, ને હાથ મારો ધ્રૂજતો.

૫૨૭૯.
જે દિવસ ગઈ દીકરી, આખું ય ઘર ભારે થયું,
ને પિતાની પાંપણે ત્યાં ભાર બેઠો ડુંગરો.

૫૨૮૦.
ફૂલને ચૂંટ્યું ખુશીથી, ડાળ રોતી એકલી,
પ્રેમ પણ લોકો કરે છે માલિકીના ભાવથી.

૫૨૮૧.
વોટ માટે ઝૂંપડે આવી ગયા નેતા બધા,
જીત મળતાં એ જ રસ્તો સાવ ભૂલી ગ્યા પછી.

૫૨૮૨.
આયનો તૂટી ગયો, ને હું બની ગ્યો સો ગણો,
એક ટુકડામાં ય આખો, તોય ખંડિત સાવ હું.

૫૨૮૩.
રાતભર વરસાદ પડતો, ગામ આખું તરબતર,
તોય નળમાં એક ટીપું ના મળે, આ તંત્ર છે!

૫૨૮૪.
ચૂલ પર દાઝી હતી માની હથેળી રોજ જે,
એ જ હાથે પીરસી'તી ઠંડકો સૌને સદા.

૫૨૮૫.
લાકડી પકડી ચલે છે એ જ પગ જે દોડતા,
જેમના ખભ્ભે ચડી મેં ગામ આખું ભાળિયું.

૫૨૮૬.
સ્ટેટસે હસતા, અને એકાંતમાં રોતા બધા,
આંસુઓને ક્યાં મળે છે કોઈની પણ દાદ ત્યાં?

૫૨૮૭.
દોર તૂટ્યો, ને પતંગે આભ આખું માપિયું,
બંધનોથી છૂટવાનો એ જ તો આનંદ છે.

૫૨૮૮.
ખેડુએ વાવ્યું બિયારણ, શેઠ લણતો વ્યાજ સૌ,
મોલ ઊગે ખેતરે, ને ઘર સુધી આવે ઉધાર.

૫૨૮૯.
ભીંત પર ઘડિયાળ ટકટક રોજ કરતી જાય છે,
આયખાના ઝાડ પર જાણે કુહાડી થાય છે.

૫૨૯૦.
લાખ લોકો છે નગરમાં, ને છતાં એકાંત છે,
બાજુના ફ્લેટે મરણ, ને કોઈને ના જાણ છે.

૫૨૯૧.
ઝેર મીઠું થઈ ગયું, જ્યાં હોઠ પર ગિરધર હતો,
પ્રેમ હો તો રાજ શું, ને ઝેર શું, ને મોત શું?

૫૨૯૨.
ચાંદને રોટી ગણીને બાળ ઊંઘી જાય છે,
ને જુએ મા, તો ગળે ડૂમો ભરાતો જાય છે.

૫૨૯૩.
શબ્દ પણ થાકી ગયા, ને મૌન પણ બોલ્યું નહીં,
આંસુએ ત્યારે ગઝલ આખી કહી દીધી ખરી.

૫૨૯૪.
ફૂલ પાસે જઈ પરાગે સ્હેજ માગી'તી સુગંધ,
ફૂલ બોલ્યું: ‘તું જ છે મારો ખરો આત્મા, ભલા!’

૫૨૯૫.
બર્ફમાં ઊભો સિપાહી, ગામમાં સૂતું જગત,
એ ઠરે છે, તો જ ઊગે છે સવારો હૂંફનાં.

૫૨૯૬.
વારતા દાદી કહેતી, ને પરી આવી જતી,
આજ પૌત્રોની પરીઓ ફોનમાં કેદી બની.

૫૨૯૭.
વીજ ચમકી, ત્યાં જ તું વળગી પડી મુજને ડરી,
આભનો આભાર માનું, કેટલો ગાજ્યો ભલો!

૫૨૯૮.
વૃક્ષ કાપીને બનાવ્યા માર્ગ મોટા, ને હવે
એ જ રસ્તે છાંયડો શોધે મુસાફર તાપમાં.

૫૨૯૯.
આ પરાગે સો મહેલો જોઈ લીધા, તોય પણ
ઓસરી માની હતી જેવી, ન એવી કો' જગા.

૫૩૦૦.
ગામ પ્યાસું, ને નગરના બાગમાં ઝરણાં વહે,
ઝૂંપડે ઊંધી પડી છે ગાગરો ખાલી બધી.

૫૩૦૧.
રાતભર દીવો ય બળતો, ને બળી હું પણ સખી,
તું ન આવ્યો, ને પરોઢે બેઉ ઠંડાં થઈ ગયાં.

૫૩૦૨.
જે ઉપાડી ચાલતો'તો ભાર આખા ઘર તણો,
ચાર ખભ્ભે ઊંચકાયો આજ એ ફૂલો સમો.

૫૩૦૩.
લગ્નમાં છપ્પન હતાં ભોજન અને ડીજે ઘણાં,
ને પિતા વર્ષો સુધી ભરતા હતા હપ્તા બધા.

૫૩૦૪.
ઘાસ પર ઝાકળ ઝગે છે રાતભર મોતી સમું,
આ જગતની સંપદા એવી, સવારે ઊડતી.

૫૩૦૫.
ફૂલ ખરતાં પણ પરાગે હાર માની ના કદી,
વાયરે બેસી નવા ફૂલે ગયો એ ગાઈને.

૫૩૦૬.
કીટલીની ચા અને જૂનો મળે જો દોસ્ત, તો
સ્વર્ગની પણ સાંજ ફિક્કી લાગશે એની કને.

૫૩૦૭.
ઉંબરે દીવો ધરી બા વાટ જોતી'તી સદા,
આ દિવાળી દીકરો પરદેશથી આવ્યો નહીં.

૫૩૦૮.
રંગ ધોયા સૌ, છતાં તારો ગુલાબી ના ગયો,
ગાલ પર તેં જે લગાડ્યો એક ફાગણ સાંજમાં.

૫૩૦૯.
ઢોલ થાક્યો, ને થયું પરભાત, પણ ગોરી હજી,
આંખમાં એની ઝગે છે દીપ ગરબાના બધા.

૫૩૧૦.
ફૂટપાથે ઠારમાં ધ્રૂજે સવારે ડોસલો,
ને અમે ત્યાંથી ગયા, બોલ્યા: ‘મજાનો ઠાર છે!’

૫૩૧૧.
મેં તને શોધ્યો બધે, કાબા અને કાશી સુધી,
આખરે તું ત્યાં હતો, જ્યાં હું જ ખોવાયો હતો.

૫૩૧૨.
વાંસળીનો સૂર સુણતાં ભાન ભૂલી રાધિકા,
ને નદી પણ થઈ ઘડીભર ચિત્ર જેવી ત્યાં ઠરી.

૫૩૧૩.
આ પરાગે આંસુઓથી અત્તરો ભરિયાં બધાં,
ને ગઝલ સૂંઘી જનારા રોઈને હસતા ગયા.

૫૩૧૪.
ફાઇલો સૂતી કચેરીમાં ઘણાં વર્ષો થયાં,
ને પ્રતીક્ષામાં અરજદારો ઢળી ગ્યા આખરે.

૫૩૧૫.
કેટલી નોટો ગણી, પણ શ્વાસ ના ગણ્યા કદી,
આખરે બેંકો ભરેલી, ને ગયો ખાલી હથે.

૫૩૧૬.
બાપનાં ચંપલ પહેરી ચાલવા લાગ્યો હતો,
આજ એ પગમાં બરાબર, ને ખબર: કાંટા ઘણા.

૫૩૧૭.
દીકરી ઝાંઝર પહેરી નાચતી આખા ઘરે,
સાસરે ગઈ, ને હવે ઝાંઝર વિનાની ઓસરી.

૫૩૧૮.
રાખડીના તાંતણે બાંધ્યો બધો ભવ બેનડી,
ભેટમાં માગ્યું, ‘જરા મારે ઘરે પણ આવજે.’

૫૩૧૯.
કંટકે ઘેરાયલો, તોયે હસે છે આ પરાગ,
ઘાવ પણ મ્હેકે, ખુમારી ભીતરે જો હોય તો.

૫૩૨૦.
‘કાલ મળશું’ તેં કહેલું, ત્યારથી હું કાલમાં,
આજ મારો ક્યાંય ના ઊગે, ભલે ને સૂર્ય હો.

૫૩૨૧.
દીવડો નાનો હતો, સામે હતી આંધી ઘણી,
તોય એણે રાત આખી ઝળહળી કાઢી ખરી.

૫૩૨૨.
મોહમાયા છોડવાનું રોજ ભાખે સંતજી,
ને પછી પોતે ગણે છે દાન બેસી કારમાં.

૫૩૨૩.
રોટલી ઓછી પડી, તો મા કહે: ‘ભૂખ જ નથી’,
એ જ જૂઠાણા ઉપર સો સત્યને વારું હવે.

૫૩૨૪.
રોજ છાપામાં મરે છે સેંકડો, ને ચા ગરમ,
ચૂસકી લઈને અમે બસ ફેરવીએ પાન ત્યાં.

૫૩૨૫.
આયને પૂછ્યું સવારે: ‘ઓળખે છે તું મને?’
હું કહું: ‘હું પણ હવે ક્યાં ઓળખું છું ખુદ મને?’

૫૩૨૬.
સાગરો ચૂમે કિનારો રોજ, પણ પામે નહીં,
પ્રેમ પણ સાગર સમો છે, ઝંખના, બસ ઝંખના.

૫૩૨૭.
સાંજના સોગંદ લીધા: ‘કાલથી ડાયટ ખરું’,
ને સવારે ગાંઠિયા જોતાં જ ભૂલ્યા એ બધું.

૫૩૨૮.
મા નથી, પણ ઓરડે એના ભજનના ચોપડા,
રાતમાં માળા ફરે છે આપમેળે, શી ખબર!

૫૩૨૯.
સ્ટેશને ઊભી રહી મા, હાથ હાલ્યો દૂર લગ,
ટ્રેન ચાલી દૂર, એનો જીવ પણ સાથે ગયો.

૫૩૩૦.
ઝાકળે અક્ષર લખે છે રોજ ઊઠીને પરાગ,
તાપમાં ભૂંસાય, તોયે રોજ પાછો એ લખે.

૫૩૩૧.
ચાંચમાં લઈ ઘાસ ચકલી ઘર ઘડે છે આંગણે,
ને અમે ઈંટો ગણી, ઘર ક્યાં? મકાનો બસ થયાં.

૫૩૩૨.
મંદિરે ઘંટારવો, ને ઓટલે ભૂખી ગરીબ,
ભોગ છપ્પન ઈશને, ને એક રોટી ના મળે.

૫૩૩૩.
રોજ મધમાખી ઉઠાવી જાય છે થોડો પરાગ,
ફૂલ ખાલી થાય, પણ મધ થાય મીઠું કોઈનું.

૫૩૩૪.
જે ગલીમાં તું વસે, ત્યાં તીર્થ મારું રોજનું,
આંખ મીંચું ને જુએ તું, એ જ મારી બંદગી.

૫૩૩૫.
એક ખુરશી આજ ખાલી, એક પર બેઠો ધણી,
તોય બે કપમાં ભરે છે ચા, પુરાણી ટેવથી.

૫૩૩૬.
આભ સામે તાકતી'તી ખેડુની ભીની નજર,
મેઘ મોડો આવતો, ને ખેતરે પડતી તિરાડ.

૫૩૩૭.
શબ્દની ક્યારી મહીં રોપ્યો પરાગે એક છોડ,
ફૂલ જ્યારે આવશે, ત્યારે ન હું હોઉં કદાચ.

૫૩૩૮.
ગામનો કૂવો સુકાયો, ને ગયાં ગીતો બધાં,
બોરવેલે જળ ભલે આપ્યું, ન આપ્યું ગીત કો'.

૫૩૩૯.
પારણે ઝૂલ્યો હતો જે, એ ઝુલાવે પૌત્રને,
કાળનું આ ચક્ર એમ જ રોજ ફરતું જાય છે.

૫૩૪૦.
ચેનલો પર ચીસ પાડે છે બધા, ને સત્ય ગુમ,
ને ગરીબોની ખરી ચીસો સુણે ના કો' કદી.

૫૩૪૧.
દેહ માટી થઈ જશે, ને રાખ થઈ જાશે ચિતા,
વાયરામાં તોય થોડો મ્હેકશે ત્યાં આ પરાગ.

૫૩૪૨.
આગમાં નાખ્યા બધા કાગળ, છતાં યાદો બચી,
રાખમાં પણ ઝળહળે છે નામ તારું આજ પણ.

૫૩૪૩.
બાળકો મેદાન ભૂલ્યાં, ફોનમાં ખોવાઈ ગ્યાં,
ઘૂંટણો છોલાય કેવા, એ ય ક્યાં જાણે હવે?

– પરાગ રતનપરા

શેર
← પહેલો લેખકલમથીઆગલો લેખ →છૂટા શેર ૫૩૪૪–૫૩૯૩