← મુખપૃષ્ઠ · કાવ્યસંગ્રહ

છૂટા શેર ૪૬૨૬–૪૬૪૫

ઑક્ટોબર ૨૦૨૬કવિતા

૪૬૨૬.
થયા વાળ ધોળા, નજર મંદ છે,
છતાં મન હજી બાળ જેવું જ છે.

૪૬૨૭.
તજી ગામ, ગ્યા દૂર પરદેશમાં,
હજી પાદરે મન ફરે છે સદા.

૪૬૨૮.
પરાગે સુગંધી ગઝલ ગાઈ’તી,
હવાએ વહી, બાગ સૌ ઝૂમતો.

૪૬૨૯.
મળે ‘નેટ’ મફતે, ન મળતું અનાજ,
બધાં ફોનમાં ભૂખ ભૂલી જતાં.

૪૬૩૦.
તને યાદ કરતાં ઝરે આંખ આ,
તને ભૂલવા, બેય ભીની થતી.

૪૬૩૧.
રસોડું હવે ઝગમગે છે ભલે,
હવે ક્યાં મળે બા તણો રોટલો?

૪૬૩૨.
વિદેશે ઘણું ધન, ઘણો ઠાઠ છે,
સ્વદેશે, ચિતા પર, ન કો હાથ છે.

૪૬૩૩.
પરાગે ન માગ્યો ખજાનો કદી,
હવા, ઓસ, તડકો જ ધન એ ગણે.

૪૬૩૪.
તમે પાસ હો, તો સદી પળ બને,
તમે દૂર હો, તો ઘડી થાય જુગ.

૪૬૩૫.
ધરા તપ્ત, આકાશ કોરું હતું,
અને મોલ સાથે સુકાયો ધણી.

૪૬૩૬.
ઘરે ચાર જણ, ચાર ફોનો જુદા,
જમે સાથ, પણ વાત ‘ચેટે’ થતી.

૪૬૩૭.
ઝરે મેઘ, ને ભીંજવે ગામ સૌ,
છતાં એક કોરું રહે મન અહીં.

૪૬૩૮.
બધે ‘ત્યાગ’ પર બાપજી બોલતા,
પછી ઝગમગે કાફલો કારનો!

૪૬૩૯.
ખભે ચાર જણ લઈ ગયા સાંજના,
અને હું ય હળવો થયો આખરે.

૪૬૪૦.
નથી શબ્દ પાસે કશું આપવા,
છતાં એ જ લાવે ખજાના ઘણા.

૪૬૪૧.
ભમર ગાય, ને સાંભળે છે પરાગ,
પવન ગીત ચોરી, ગવે છે બધે.

૪૬૪૨.
ઘસાયેલ બાના હતા હાથ જે,
હતા એ જ મારાં નસીબો, ખરે.

૪૬૪૩.
ઘસાયો હતો ઉંબરો પગ થકી,
હવે ઉંબરે ઘાસ ઊગી ગયું.

૪૬૪૪.
નથી બાગ, ના ફૂલ, ના ઝાડવાં,
છતાં ત્યાં હવામાં વહે છે પરાગ.

૪૬૪૫.
અચાનક પુરાણા સખાનો અવાજ,
અને વીસ વરસો થયાં ‘કાલ’ જેમ.

– પરાગ રતનપરા

શેર
← પહેલો લેખછૂટા શેર ૪૫૯૧–૪૬૨૫આગલો લેખ →છૂટા શેર ૪૬૪૬–૪૬૬૫