← મુખપૃષ્ઠ · કાવ્યસંગ્રહ

છૂટા શેર ૪૩૮૬–૪૪૧૫

ઑક્ટોબર ૨૦૨૬કવિતા

૪૩૮૬.
હજી બાની જ સાડીનું બનેલું ગોદડું ઓઢું,
શિયાળાની ઠરેલી રાતમાં પણ હૂંફ લાગે છે.

૪૩૮૭.
તમે આવ્યાં, તરત ઘરમાં, વગર દીવે, થયું રોશન,
ગયાં ત્યારે હજારો દીવડે પણ રાત ઘેરી છે.

૪૩૮૮.
મકાનો આભને અડકે, છતાં માણસ થયો વામન,
હજારો ‘ફ્લેટ’ છે, પણ એકમાં પણ ઘર નથી મળતું.

૪૩૮૯.
પરાગે ફૂલની પાસે બધું શીખ્યું, કહું સાચું:
હસી ખીલો, હસી ઝૂલો, હસી ખરવું, હસી ઊડો.

૪૩૯૦.
પિતાના હાથ ખરબચડા, છતાં ઝૂલો ઝુલાવે છે,
ઉપરથી છે કઠણ, ને ભીતરે મીઠું ઝરણ છે બસ.

૪૩૯૧.
લગનમાં ભેટમાં આવી હતી બારે ય ઘડિયાળો,
છતાં એકેયની પાસે નથી બે પળ, જરા જોજો!

૪૩૯૨.
વરસ મેઘા, વરસ, કે ખેતરે મારે તરસ ભારે,
નહીં તો દીકરીના લગ્નનું દેવું વધી જાશે.

૪૩૯૩.
ભજે મીરાં, બજે કરતાલ, ને રાજા-મુગટ ડોલે,
નથી રાણી, નથી રાજા, હવે છે એક ગિરધારી.

૪૩૯૪.
વિદેશે છે બધું સુખ, ‘ફ્રીજ’માં ભોજન ભરેલું છે,
છતાં એમાં નથી બાનો, રસોડાનો, તવાનો સ્વાદ.

૪૩૯૫.
પરાગે ચાંદને આંગણ નિહાળ્યો એક રાતે, ત્યાં
અમાસે પણ હવે એનાં ગઝલમાં ચાંદ ઊગે છે.

૪૩૯૬.
વચન આપી, મતો લઈને, ગયા એ તો પછી દિલ્હી,
અમારે ગામ ખાડા ને ઉપરથી ધૂળ ને ડમરી.

૪૩૯૭.
હવે દાદર ચડે ના પગ, હતો જે દોડતો કાલે,
સમય સીડી ઉતારે છે, ભલે ના પગ ચડે ઊંચે.

૪૩૯૮.
ન પીધો જામ મેં સાકી, છતાં હું ઘેનમાં ઝૂમું,
તમારી આંખના પ્યાલે, ખુદાનું નૂર પીધું છે.

૪૩૯૯.
કુવાકાંઠે હતાં ગીતો, હતી ગાગર, હતા ઘૂઘર,
હવે ત્યાં નળ, કતારો ને ઝઘડતી બેડલાં ખાલી.

૪૪૦૦.
તળાવે ચાંદ જોયો તો, મને લાગ્યું, તમે આવ્યાં,
અડકવા હાથ લંબાવ્યો, વમળમાં ખોઈ દીધાં મેં.

૪૪૦૧.
પરાગે મોતને પણ ફૂલ આપી આવકાર્યું ત્યાં,
મરણ પણ મ્હેકતું ચાલ્યું, ખરીને ફૂલ સમ ધીમે.

૪૪૦૨.
ભણાવાને બદલ ઈંટો ઉપાડે છે, વતન છોડી,
અમે બાળકદિવસનું ભવ્ય ભાષણ દઈ, ઘરે જઈએ.

૪૪૦૩.
ઘણા મિત્રો હતા, જ્યારે હતાં ખિસ્સાં ભરેલાં, પણ
થયાં ખાલી, પછી કેવળ ઉભો’તો તું, મિતર મારા.

૪૪૦૪.
જગત આખું રઝળ્યો હું, તને શોધ્યો ઘણો, ને જો
હતો તું ત્યાં જ, જ્યાં મારા હૃદયનો તું જ ધબકારો.

૪૪૦૫.
પરાગે શબ્દના દીવા જલાવ્યા સાવ અંધારે,
ભલે ઝાંખા, છતાં એથી ન ઠોકર ખાય એકે જણ.

૪૪૦૬.
ઘણી ક્રીમો લગાવી, રંગ ગોરો ના થયો, તો પણ
હસી એ જ્યાં, બધે ઝળહળ થયું, ને રંગ ભૂલાયો.

૪૪૦૭.
નગરના ટાવરે અટકી ગયું ઘડિયાળ વર્ષોથી,
છતાં દોડે બધાં લોકો, સમયની કોણ પરવા છે?

૪૪૦૮.
વરસતા મેઘમાં ઊભો હતો હું રાતભર જાણી,
છુપાવા આંસુઓ મારાં, જરા વરસાદમાં ભળવા.

૪૪૦૯.
પરાગે ઓસરીમાં જોઈ, બાની ખાટ ખાલી છે,
ગઝલ પણ એ દિવસથી સાવ સૂની ઓસરી જેવી.

૪૪૧૦.
શિયાળે તાપણે બેઠા, કથા માંડે બધા ઘરડા,
ધુમાડે ઓગળે છે ઠાર, ને હૂંફે હસે સૌ જણ.

૪૪૧૧.
કહે બાળક: ‘ખુદા, મારી લખોટીઓ ભલે લઈ લે,
મને પાછી મળે બા, ને હથેળી સાવ માથા પર.’

૪૪૧૨.
તમે જ્યાંથી ગયાં, ત્યાંથી હજી રસ્તો નથી હટતો,
નજર મારી ય ત્યાં ઊભી, જરા પણ ના ખસે આઘી.

૪૪૧૩.
પરાગે વાયરા સાથે કરી’તી મિત્રતા એવી,
વગર પાંખે, વગર પગલે, ગયો એ સાત ખંડોમાં.

૪૪૧૪.
ઘણા ‘ડાયેટ’ના ‘પ્લાનો’ બનાવ્યા રોજ ‘ફ્રીજે’ પર,
છતાં રાતે બધાં સૂએ, પછી હું ‘ફ્રીજ’ ખોલું છું.

૪૪૧૫.
કપાયો આજ વડલો, ને નવી સડકો બની ગામે,
હવે પંખી ભટકતાં રાતભર શોધે નિવાસોને.

– પરાગ રતનપરા

શેર
← પહેલો લેખછૂટા શેર ૪૩૪૬–૪૩૮૫આગલો લેખ →છૂટા શેર ૪૪૧૬–૪૪૪૫