છૂટા શેર ૩૩૭૬–૩૪૦૫
૩૩૭૬.
ઝરૂખે રોજ બેસીને નજર રસ્તે જ માંડીને,
હજી મા રાહ જોતી, પણ ન આવ્યો દીકરો પાછો.
૩૩૭૭.
ગઝલ મારી અધૂરી છે, તમારા વિણ ન પૂરી હો,
કલમ પાસે બધા શબ્દો, હૃદય પાસે તમે બાકી.
૩૩૭૮.
નગરના ઝગમગાટોમાં ગુમાવ્યું ગામનું આકાશ,
હવે તારા ગણું ક્યાંથી? અહીં તો ધૂમ્રનું છે રાજ.
૩૩૭૯.
હતો મેળો, પિતા સાથે, ખભે બેસી નિહાળ્યું સૌ,
હવે મેળે જવું, તો એ ખભાની ખોટ સાલે છે.
૩૩૮૦.
સવારે ગ્રીન-ટી પીધી, સલાડે પેટ પણ ભર્યું,
પછી રાતે જમણવારે ઉડાડ્યા લાડવા ત્રણ ચાર!
૩૩૮૧.
ચલો ભીંજાઈએ આજે, ભલે છત્રી રહી ખૂણે,
ઘણાં વરસે ફરી બાળક બનીને નાચશું થોડું.
૩૩૮૨.
પરાગે ડાળ છોડી ને હવાની આંગળી ઝાલી,
હવે જ્યાં જ્યાં પવન દોડે, બધે એ મ્હેક થઈ ઊઠે.
૩૩૮૩.
હજી તો રાખ ઊની છે ચિતાની, ને ઝઘડ્યા ભાઈ,
ઘરેણાં, ખેતરો સઘળાં વહેંચ્યાં, શોક ના આવ્યો.
૩૩૮૪.
ઘડો ફૂટ્યો, ભળી માટી ફરી માટી મહીં પાછી,
અમસ્તો દેહ માટે તું રડે છે, ઓ મનુજ, શાને?
૩૩૮૫.
હતી રોટી, હતી ચટણી, હતી માડી તણી થાળી,
હવે થાળી ભરેલી છે, નથી બસ ભૂખ પેટે ત્યાં.
૩૩૮૬.
વસંતો ઓસરી ગઈ ને ખરે છે પાંદડાં સઘળાં,
પરાગે તોય ડાળીએ જરા મ્હેકો સજાવી છે.
૩૩૮૭.
ભરેલો ઘટ ન છલકાતો, અધૂરો છલછલે ઝાઝો,
સભામાં ગાજતો જે, એ જ ઓછું જાણનારો છે.
૩૩૮૮.
ઉપાડ્યું ના કદી હથિયાર, તોયે રાજ ડોલ્યું’તું,
હતી બસ લાકડી, ચરખો, અહિંસાની હતી આંધી.
૩૩૮૯.
નદીના પટ સુકાયા ને, હવે રેતી તણી ચોરી,
પછી વરસાદમાં પૂરે ડુબાડ્યું ગામ આખું યે.
૩૩૯૦.
વરસ વીત્યાં, ન દીઠી તું, છતાં તસવીર તાજી છે,
હૃદયના ફ્રેમમાં તારી હજી એ સાંજ સાજી છે.
૩૩૯૧.
ઘણા મંચે ગજવતા’તા, ઘણા તાળી ય ઝંખે છે,
પરાગે ચૂપકીથી બસ ઝરૂખે મ્હેક મૂકી છે.
૩૩૯૨.
ફકીરી એ જ સાચી, જે ન સંઘરતી કશું કાલે,
પવન જેવી, વહે ત્યાં ત્યાં, ન બાંધે ઘર કદી ક્યાંયે.
૩૩૯૩.
હસે છે દીકરી ઘરમાં, અને ભીંતો ય ગાતી’તી,
વળાવી જ્યાં, પછી ભીંતો ય રડતી’તી બધી રાતે.
૩૩૯૪.
ખરીદી કાર મોંઘી, પણ નથી પાર્કિંગની જગ્યા,
હવે એ ઊંઘતી શેરી મહીં, હું જાગતો રાતે.
૩૩૯૫.
નગરના ટાવરો ચણ્યા, હજારો ઘર સજાવીને,
મજૂરો તોય સૂએ છે ખુલા આકાશની નીચે.
૩૩૯૬.
ન પૂછો ગામ, કુળ મારું, ન પૂછો જાત કે ભાષા,
પરાગે તો હવા સાથે બધે મ્હેકી જવું’તું બસ.
૩૩૯૭.
હિસાબો શ્વાસના રાખ્યા, દિવસ ગણતાં વિતાવ્યાં સૌ,
ન જીવ્યા એક પણ પળને, હતા ગણતા જ એને બસ.
૩૩૯૮.
હતી ઑફિસ, હતો ટ્રાફિક, હતાં બિલ ને હતી ચિંતા,
રજા લઈને ઘરે આવ્યો, હવે પોતાં ય મારે છે.
૩૩૯૯.
નદીને કોણ દોરે છે, કહો, સાગર તરફ રસ્તો?
વહે છે જે, મળે એને બધા રસ્તા સહજ રીતે.
૩૪૦૦.
ભલે ખરતો રહે ઝાકળ, ભલે ઊડી જશે ખુશ્બૂ,
પરાગે સાચવી રાખી ગઝલમાં એ ઘડી આખી.
૩૪૦૧.
નજર ઝાંખી, કમર ઝૂકી, હવે ધ્રૂજે બધાં અંગો,
હજી ‘બા’ સાંભળું ત્યાં તો, કદમ દોડી જતાં સામે.
૩૪૦૨.
હતાં મેદાન ગામે, ને હતી ગિલ્લી, હતો દંડો,
હવે ત્યાં મૉલ, ને ઘરમાં રમે બાળક જ સ્ક્રીનોમાં.
૩૪૦૩.
તમારા નામનો દીવો બળે છે રોજ બારીએ,
હવા જાણે, કદી આવો નહીં, તોયે ન ઠારે એ.
૩૪૦૪.
હતો રાવણ ઘણો જ્ઞાની, હતી લંકા ય સોનાની,
અહંકારે બળી ગઈ સૌ, રહી બસ રાખ પાછળ ત્યાં.
૩૪૦૫.
હતો હું ફૂલનો હિસ્સો, હવાનો થઈ ગયો આજે,
ન ઘર મારું, ન સરનામું, પરાગે મુક્ત થઈ મ્હેકું.
– પરાગ રતનપરા