છૂટા શેર ૩૧૬–૩૬૫
૩૧૬.
ભલે મા કને ના કશું હોય, પણ
ધરી દે બધું, ને કહે: ‘ના કશું.’
૩૧૭.
પિતા રોજ ઊઠે પરોઢે, અને
અમારી સવારો ઉગાડે સદા.
૩૧૮.
વિદાયે પિતાની નજર જે ઝરી,
હતી ગંગ કરતાં ય પાવન ઘણી.
૩૧૯.
ઘટા મેઘની જ્યાં ગગનમાં ચડી,
કિસાનો તણી આંખ ભીની હતી.
૩૨૦.
હતું ગામમાં એક ઘરડું તળાવ,
ઝુલાવે ગગનને, સિતારા બધા.
૩૨૧.
ઘરો આભ અડતાં, મનો સાંકડાં,
નથી ઓસરી, ના ઝરૂખો, ન ચોક.
૩૨૨.
ઝરૂખે સળગતો હતો દીપ, ને
સવારે પ્રતીક્ષા ધુમાડો હતી.
૩૨૩.
પરાગે ઘણા બાગ જોયા છતાં,
હજી પાનખરમાં જ ખીલ્યો ખરો.
૩૨૪.
બધા ભોજને ફોન લઈ બેસતા,
ઠરી થાળ, ને મા રહી રાહમાં.
૩૨૫.
હવે ઘર મહીં બસ બિલાડી ફરે,
અમે વાત એની જ સાથે કરી.
૩૨૬.
અહીં જૂઠનો ભાવ ઊંચો થયો,
હવે સત્ય વેચાય છે ભાવ વિણ.
૩૨૭.
અરીસો કદી જૂઠ બોલે નહીં,
છતાં સૌ મુખોટા સજાવી ફરે.
૩૨૮.
હતી ભીડ, ને બસ જરા તું હસી,
પછી ભીડમાં હું ય ખોવાઈ ગ્યો.
૩૨૯.
અહંના શિખર પર ગયો હું, પછી
નહીં કોઈ ત્યાં, એકલો હું હતો.
૩૩૦.
હતો શત્રુ, એ પણ ભણાવી ગયો,
ઘણા મિત્ર તો બસ હસાવી ગયા.
૩૩૧.
હતી અગ્નિની સેજ, સૌ આસપાસ,
મને સૌ વખાણે, પ્રથમ વાર ત્યાં.
૩૩૨.
કલમ મેં ઉપાડી, ઝરી આંખ ત્યાં,
ગઝલ એ જ ટીપે ઉગાડી ખરી.
૩૩૩.
ન બોલ્યાં, છતાં તોય સમજી ગયાં,
હતું મૌન આપણ વચે સેતુ શું.
૩૩૪.
ફરી કોયલે સાદ દીધો, અને
ઉદાસી ય ડાળે મહોરી હતી.
૩૩૫.
રમકડાં ઘડે જે બિચારાં કરો,
રમત તો હતી એમને સ્વપ્નવત.
૩૩૬.
યશોદા કહે: ‘લાલ, માખણ ન ચોર,’
કહે કાન: ‘તારું જ મન ચોર છે.’
૩૩૭.
હતી રાધિકા, ને હતો શ્યામ પણ,
વચે એક જમના સદાની વહી.
૩૩૮.
તપે છે ધરા, ને બળે છે ચરણ,
છતાં ગુલમહોરો હસે લાલચોળ.
૩૩૯.
પરીક્ષા પછી માર્ક ઓછા હતા,
પિતાજી કહે: ‘દોસ્ત, મેળે ચલો!’
૩૪૦.
પવન ફૂંક મારે સતત રાતભર,
અડગ ગોખલે દીપ હસતો હતો.
૩૪૧.
‘પરાગે’ ગઝલ ગાઈ ઝાકળ ઉપર,
ઉષા આવતાં સૂર્ય પી ગ્યો બધી.
૩૪૨.
હતી ચા, હતા આપણે બે જણાં,
હવે ચા ઠરી, ને અમે એકલા.
૩૪૩.
ધરે દાન સૌ, ને કરે માનતા,
ખુદા સંગ પણ લોક સોદો કરે.
૩૪૪.
વિદેશે ગયો પુત્ર, ઘર એકલું,
હવે સ્ક્રીન પર મા હસે છે, રડે.
૩૪૫.
અટારી ઉપર ચાંદ ઊભો હતો,
તને જોઈ શરમાઈ પાછો ગયો.
૩૪૬.
સભામાં હતા સૌ ખરીદેલ લોક,
કહે મંચ: ‘જનતા અમારી બધી.’
૩૪૭.
ઘણા ગ્રંથ વાંચ્યા, ઘણા વેદ પણ,
ન વાંચી કદી માત્ર માની નજર.
૩૪૮.
નદી દોડતી ગઈ સમંદર તરફ,
મળી, ને ગુમાવ્યું સ્વયંનું સ્વરૂપ.
૩૪૯.
‘પરાગે’ ગઝલ સો લખી, ને પછી
ચડી એક પસ્તી તણે ત્રાજવે.
૩૫૦.
નવી વહુ ઘરે, ને ઘરે રોશની,
પિયર આંગણું ત્યાં રડે રાતભર.
૩૫૧.
ગરજ જ્યાં સુધી, ત્યાં સુધી સૌ સગાં,
પછી ઓળખાણે ય આપે નકાર.
૩૫૨.
નિશાળે જતાં જ્યાં ગગન ગાજિયું,
મળી ત્યાં રજા, ને બધાં નાચિયાં.
૩૫૩.
ઇમારત ચણી જે મજૂરે અહીં,
હજી રાત એની સડક પર પડે.
૩૫૪.
ઘણા મિત્ર ફોને, ઘણી લાઈકો,
બિછાને હતો, ને ન'તું કોઈ પાસ.
૩૫૫.
તવે મા તણા હાથનો રોટલો,
નથી પાંચ તારક તણા ભોજને.
૩૫૬.
ખરે પાંદડાં, તોય ડાળી હસે,
વસંતે ફરીથી મળીશું, કહે.
૩૫૭.
અમીરી ઘરે શ્વાન ધરવે જમે,
ગરીબી ગલીમાં ઉપાસો રમે.
૩૫૮.
નયન તો કહે, હોઠ મૌની ભલે,
નજરથી નજરમાં જ વાંચું તને.
૩૫૯.
‘પરાગે’ નમીને જ પામ્યું બધું,
અકડ ઝાડ તોફાનમાં તૂટિયાં.
૩૬૦.
થયો પુત્ર, પેંડા વહેંચ્યા બધે,
હતી દીકરી, તો હતા મૌન સૌ.
૩૬૧.
અવાજો ઘણા બ્હારના સાંભળી,
હવે સાંભળું ભીતરી સાદ હું.
૩૬૨.
નથી નાવ, ના કોઈ નાવિક, છતાં
ભરોસો તરે છે, કિનારે જશે.
૩૬૩.
હસાવે સભાને વિદૂષક સદા,
ઘરે એકલો એ રડે રાતભર.
૩૬૪.
હસે પૌત્ર, ને ઘર યુવાની ધરે,
ખખડતી છતો પણ હસી ત્યાં પડે.
૩૬૫.
ભલે સાંજ છે, ને ભલે થાક પણ,
હજી એક દીવો ઝગે છે ઘરે.
– પરાગ રતનપરા