છૂટા શેર ૨૫૮૬–૨૬૧૫
૨૫૮૬.
હતું ગામ, ને ગામમાં એક ઘર,
હવે યાદમાં બેઉ, સાચાં નથી.
૨૫૮૭.
તમે આવતાં ઘર થયું ઝળહળું,
ગયાં તો બધું સાવ સૂનું થયું.
૨૫૮૮.
પરાગે ધરી મ્હેક સૌને સદા,
છતાં ના ઘટી એ, ચમત્કાર આ.
૨૫૮૯.
નથી પાસ એની રમકડાં કદી,
રમે ઠીકરાંથી, બનાવે મહેલ.
૨૫૯૦.
પડે મેઘ ને યાદ તારી વધે,
નહાઉં છતાં હું તરસ્યો રહું.
૨૫૯૧.
હવે હાથ ધ્રૂજે, નજર ધૂંધળી,
છતાં મન હજી બાળ જેવું રમે.
૨૫૯૨.
ચિતા પણ ઠરી, ને ઘરે સૌ ગયાં,
ફકત એક ખૂણે રડે ખાટલો.
૨૫૯૩.
અમાસે નથી ચાંદ, તો શું થયું?
હજારો સિતારા ઝગે છે હજી.
૨૫૯૪.
પરાગે નથી ઘર બનાવ્યું કશે,
હવા ઘર, ગગન છત, બધે છે વતન.
૨૫૯૫.
તમે ચૂપ, હું ચૂપ, ને રાત પણ,
છતાં કેટલી વાત થઈ ગઈ, સખી!
૨૫૯૬.
ભરે ટૅક્સ, ને ખાડ રસ્તે મળે,
અમે વોટ દઈ વાયદા પામતા.
૨૫૯૭.
નિશા ગામ પર ચાદરો ઓઢતી,
અને જાગતા શ્વાન ચોકી કરે.
૨૫૯૮.
નથી કૃષ્ણ મથુરા, ન ગોકુળ વિશે,
રમે માતના ગોદમાં જઈ હજી.
૨૫૯૯.
બધે ભીડ, ને ભીડમાં એકલો,
નથી નામ, ઓળખ નથી કો’ મને.
૨૬૦૦.
નિશા રોઈ, ઝાકળ બની ઘાસ પર,
ઉષાએ હસીને સમેટી બધી.
૨૬૦૧.
પરાગે નિહાળ્યું ઉપર રાતભર,
સિતારા ઝરે, તોય ઝળહળ ગગન.
૨૬૦૨.
બચી બૅટરી બે ટકા જ્યાં હવે,
થયું મન, હવે શ્વાસ અટકી જશે.
૨૬૦૩.
ઘડે કુંભ, તોડી ફરી એ ઘડે,
ન માટી રડે, ના રડે ચાકડો.
૨૬૦૪.
લખું પત્ર, ફાડું, ફરી હું લખું,
ગયો એક પણ ના, સખી, આજ લગ.
૨૬૦૫.
પરાગ જ ઉડીને નવું ફૂલ દે,
ખરે તે ફરી બાગ સર્જે અહીં.
૨૬૦૬.
ન છત્રી, ગગન ગાજતું આવતું,
લઉં સાથ, તો વાદળો ભાગતાં.
૨૬૦૭.
હવેલી ઝગે લાખ દીવે, અને
ગલીમાં ઠરેલા ઘણા ચૂલ છે.
૨૬૦૮.
હતી સાંજ ઝરમર, હતી તું ય ત્યાં,
હજી મેઘ લઈને ફરી આવતી.
૨૬૦૯.
મળે દીકરો સ્ક્રીનમાં રોજ, પણ
અડું કેમ? એની હથેળી નથી.
૨૬૧૦.
જતો શ્વાસ પાછો ફરે ત્યાં સુધી,
ચલે જિંદગી, ને પછી મુક્તિ છે.
૨૬૧૧.
હતો પત્ર બાનો, ઘણી ભૂલ ત્યાં,
છતાં અક્ષરે અક્ષરે વ્હાલ છે.
૨૬૧૨.
અચાનક સખા બાળપણનો મળે,
ઉમર ગઈ ખરી, બાળપણ ના ગયું.
૨૬૧૩.
નદીને ન સરહદ નડે ક્યાંય પણ,
પવન પણ વિઝા વિણ ફરે છે બધે.
૨૬૧૪.
પ્રવાહે વહે તે સરળ છે બધું,
વિરુદ્ધે તરે, તે જ સાચો મરદ.
૨૬૧૫.
ઘણું બોલવાથી ન સમજાય જે,
ઘડી મૌન રાખ્યે ખુલી જાય તે.
– પરાગ રતનપરા