← મુખપૃષ્ઠ · કાવ્યસંગ્રહ

છૂટા શેર ૧૧૫૫–૧૧૭૯

ઑક્ટોબર ૨૦૨૬કવિતા

૧૧૫૫.
કદી ઝૂલો, કદી ઝરણું, કદી પીપળ, કદી પાદર,
હજી એ ગામ ગાતું રોજ મારા શ્વાસની અંદર.

૧૧૫૬.
નથી ગીતા, નથી વેદો, નથી એકે કથા વાંચી,
છતાં મા ઘર ચલાવે છે, જગત જાણે ચલાવે એ.

૧૧૫૭.
તને જોયા પછી ફૂલો ય લાગે છે મને ઝાંખાં,
અને ચાંદો ય શરમાયો, લપાયો વાદળી પાછળ.

૧૧૫૮.
ગયો તું ત્યારથી ઘરની ઘડી પણ ચાલતી ધીમી,
હવે કાંટા ય જાણે રાહ તારી જોઈ બેઠા છે.

૧૧૫૯.
ગરીબી દૂર કરશું, જે સભામાં ગર્જતા’તા ત્યાં,
હવે એણે ગરીબોને હટાવ્યા ઝૂંપડી સાથે.

૧૧૬૦.
હજારો ‘ફ્રેન્ડ’ છે ફોને, ખભો ના એક રડવાને,
નગરમાં ભીડ છે, તોયે હૃદય તો સાવ ખાલી છે.

૧૧૬૧.
નમાજે, આરતીમાં, ને ભજનમાં નામ લીધું મેં,
હતો તો એક ભૂખ્યા બાળની ભીની નજરમાં તું.

૧૧૬૨.
સદા સાચું જ બોલ્યો, તો થયા દુશ્મન બધા મિત્રો,
હવે જૂઠું ભણું છું હું, મળે જો મિત્ર થોડા પણ.

૧૧૬૩.
ભલે આંધી ઉખેડી દે બગીચો સાવ જડમૂળે,
‘પરાગે’ તોય ઊડી જઈ, નવી ધરતી સુગંધી દે.

૧૧૬૪.
નથી છત્રી, નથી ઓથો, પડે વરસાદ આખો દી’,
છતાં બાળક ઉઘાડે પગ ગલીમાં નાચતું ગાતું.

૧૧૬૫.
ઉગાડ્યું ધાન જેણે દેશ કાજે ધોમ તડકામાં,
હતો ભૂખ્યો, કરજમાં ડૂબિયો, ખેડૂત એ પોતે.

૧૧૬૬.
કલમ મારી હતી, માના નયનનાં આંસુ શાહી થ્યાં,
લખાયું, તે ન કાગળ પર, હૃદય પર સૌ લખાયું છે.

૧૧૬૭.
શિયાળે તાપણે બેઠાં, ઘણાં ભેગાં થયાં ગામે,
કથાઓ ગરમ થઈ, ઠંડી બિચારી બ્હાર ઊભી’તી.

૧૧૬૮.
હતું જે ફૂલ મેં દીધું, સુકાયું ચોપડીમાં તે,
ઉઘાડી, તો ‘પરાગ’ હજી મહેકે એ કિતાબોમાં.

૧૧૬૯.
હતી દીવાલ ‘હું’ની, જે પડી, તો દ્વાર ખૂલી ગ્યાં,
ઉઘાડાં બારણાં જોયાં, હતો તું ત્યાં જ ઉંબર પર.

૧૧૭૦.
ઘણા પથ્થર તરી ગ્યા રામનું બસ નામ લખતાં ત્યાં,
અમે તો નામ લખતાં, ને છતાં ડૂબ્યા ઘણી વેળા.

૧૧૭૧.
ગયો પરદેશ, ત્યાં નોટો ઘણી ગણતો ભરી રાતે,
અને બા ગામમાં બેઠી ગણે દી’ આવવાના, બસ.

૧૧૭૨.
તમારી સાથ આવ્યો આ પહેલો મેઘ આંગણમાં,
ખબર શી, કે પલળ્યો હું તમારાથી, ન મેઘાથી?

૧૧૭૩.
પિતા બોલ્યા નહીં ક્યારે ય, હું વ્હાલો હતો કેવો,
છતાં ત્યાં બૂટ ફાટેલા, અને મારા નવા ચંપલ.

૧૧૭૪.
હતી ડિગ્રી, હતું પદ પણ, હતી ના નોકરી ક્યાંયે,
હવે ભજિયાં તળે, ને તેલ લૂછે માર્કશીટોથી.

૧૧૭૫.
નથી હું, તું જ છે, આ મૌનમાં, આ શ્વાસમાં, સઘળે,
હતું ટીપું, ગયું દરિયે, થયું દરિયો હવે આખું.

૧૧૭૬.
કદી ખીલી, કદી ખરતી, રહી ડાળે કળી મારી,
‘પરાગે’ તો હવા પર મ્હેકની ચિઠ્ઠી લખી રાખી.

૧૧૭૭.
હજી પણ ઊંઘ ના આવે, ગણું તારા, સ્મરું માને,
હતું એનું જ હાલરડું, હતી એ ઊંઘની ચાવી.

૧૧૭૮.
નથી રાણો, નથી ગાદી, નથી કુળની કશી ચિંતા,
હવે મીરાં ભજન ગાતી, રહે નાચી ગલીઓમાં.

૧૧૭૯.
હથેળી પર જરા બેઠી હતી તિતલી ઘડીભર ત્યાં,
હજી પણ રંગ એનો આંગળીના ટેરવે ઝળકે.

– પરાગ રતનપરા

શેર
← પહેલો લેખછૂટા શેર ૧૧૨૫–૧૧૫૪આગલો લેખ →છૂટા શેર ૧૧૮૦–૧૧૯૯