← મુખપૃષ્ઠ · કાવ્યસંગ્રહ

છૂટા શેર ૧૧૨૫–૧૧૫૪

ઑક્ટોબર ૨૦૨૬કવિતા

૧૧૨૫.
ગયાં બાળ પરદેશ, સૂનું થયું,
હવે ઓરડા મૌન ગાયા કરે.

૧૧૨૬.
નદી જેમ વ્હેતો ગયો હું સદા,
કિનારા ઘણા, પણ ન ઘર બાંધિયું.

૧૧૨૭.
તને જોઈ ભૂલ્યો જગતની ગલી,
હવે યાદ બસ એક તારું જ ઘર.

૧૧૨૮.
નથી મા, છતાં રોજ સપને મળે,
કહે: ‘ખાઈ લે,’ ને પછી જાય છે.

૧૧૨૯.
ઘડી પાંખ પ્હેરી ઉડાને ચડી,
અમે હાથમાં પિંજરું લઈ ખડા.

૧૧૩૦.
હતો એક કૂવો, હતી એક વાવ,
હવે બોટલોમાં મળે નીર ત્યાં.

૧૧૩૧.
વિનંતી કરી વોટ માગ્યા હતા,
પછી જીતતાં રાજવી થઈ ગયા.

૧૧૩૨.
ઘરે દીકરી એક દીવો હતી,
વળી સાસરે, બેઉ ઘર ઝળહળે.

૧૧૩૩.
હરણ દોડતું ઝાંઝવાં પાછળે,
અને રેત એની તરસ ગટગટી.

૧૧૩૪.
ભલે રાત લાંબી, ભલે ઘોર છે,
ન હારે કદી દીવડાની શિખા.

૧૧૩૫.
કળી ખીલવા દો, ન તોડો કદી,
સુગંધી હવા સાથ વ્હેંચી શકો.

૧૧૩૬.
‘પરાગે’ સુણાવી કળીને ગઝલ,
પછી બાગ આખો હસી ઝૂમિયો.

૧૧૩૭.
થયાં વર્ષ, તોયે મળીએ જરી,
થતું: કાલ સાંજે જ બેઠા હતા.

૧૧૩૮.
ધણી ખેતરે આભ તાકે સદા,
ઝરે મેઘ, ને સંગ આંખો ઝરે.

૧૧૩૯.
કહે ફૂલ: ‘ચૂંટી મને તોડ મા,’
અહીં ડાળ પર હું બધાંને મળું.

૧૧૪૦.
ગણું કૅલરી રોજ, ખાઉં સલાડ,
છતાં રાતના ગાંઠિયા સાદ દે.

૧૧૪૧.
અરીસો કદી ના કહે જૂઠ કંઈ,
ભલે ટૂકડા સો કરો, સત્ય એક.

૧૧૪૨.
ચિતા પર હવે ઊંઘ આવી ખરી,
રહી જાગતી આયખું આંખ આ.

૧૧૪૩.
નિશાળે ગયાં બાળ સૌ ગામનાં,
અને છોટુ ઢાબે ઘસે વાસણો.

૧૧૪૪.
ઝરે ફૂલ, ત્યાં મ્હેક ક્યાં જાય છે?
‘પરાગે’ સુણાવ્યું: ‘ગઝલમાં જતી.’

૧૧૪૫.
નગર જાગતું રાતભર ઝળહળે,
સવારે થકીને નગર ઊંઘતું.

૧૧૪૬.
હતી એક પાટી, હતી એક પેન,
હવે લૅપટૉપે ય સૂનું બધું.

૧૧૪૭.
ઉડાડ્યા પતંગો, ગગન રંગિયું,
છતાં આંગળાં સૌ ઘવાયાં હતાં.

૧૧૪૮.
તને શોધતાં હું ભટક્યો ઘણું,
હતો તું જ, જ્યાં હું જ ખોવાઈ ગ્યો.

૧૧૪૯.
હવે આંગણે બે જ ખુરશી પડી,
અને બેઉ વચ્ચે પચાસી વરસ.

૧૧૫૦.
હતા લાખ, પણ ઊંઘ ગાયબ હતી,
અને ઝૂંપડે ઘોરતો’તો ફકીર.

૧૧૫૧.
ઘણું બોલવાથી બને ના ગઝલ,
કદી મૌન પણ શેર થઈ જાય છે.

૧૧૫૨.
ભલે ફૂલ સૌ ડાળ પર મ્હોરતાં,
‘પરાગે’ જ ઊડી ગગન ચૂમિયું.

૧૧૫૩.
કચેરી કચેરી ભટકતો ફરું,
છતાં ના હલે એક કાગળ જરી.

૧૧૫૪.
ઢળી સાંજ, પંખી ગયાં માળલે,
અમે માર્ગમાં, ઘર હજી દૂર છે.

– પરાગ રતનપરા

શેર
← પહેલો લેખછૂટા શેર ૧૦૬૬–૧૧૨૪આગલો લેખ →છૂટા શેર ૧૧૫૫–૧૧૭૯