છૂટ
લગ્ન પછી એમણે કહ્યું:
‘તને પૂરેપૂરી છૂટ છે.’
નોકરી કરવાની છૂટ —
બસ, સવારનો નાસ્તો ને બપોરનું ટિફિન
સમયસર થઈ જવા જોઈએ.
પિયર જવાની છૂટ —
બસ, બા-બાપુજીને પૂછીને,
ને સાંજ પહેલાં પાછી.
મનગમતાં કપડાં પહેરવાની છૂટ —
બસ, લોકો શું કહેશે
એ વિચારીને.
બોલવાની પણ છૂટ —
બસ, મહેમાનોની સામે નહીં,
બાળકોની સામે નહીં,
ને એમનો મૂડ સારો ન હોય ત્યારે તો
બિલકુલ નહીં.
વર્ષો પછી
એ ચિતા પર સૂતી
ત્યારે પહેલી વાર
કોઈએ એને કશું પૂછ્યું નહીં.
એ દિવસે
એને સાચી છૂટ મળી.
– પરાગ રતનપરા