છોડ્યા પછી
હું સરળ થઈ ગ્યો બધી યે ઝંખના છોડ્યા પછી,
શ્વાસ પણ હળવા થયા, સૌ કામના છોડ્યા પછી.
પાંદડું ખરતાં હસીને કાનમાં બોલ્યું મને:
મુક્ત છું હું, ડાળની સૌ યાચના છોડ્યા પછી.
આંખ ખોલી ત્યાં જ દીઠી જિંદગી સાચી હતી,
સ્વપ્નમાં રાચ્યા કરેલી કલ્પના છોડ્યા પછી.
પ્રેમ પૂરો થઈ ગયો ત્યાં, તું મળી કે ના મળી,
પામવાની જીદભીની વાસના છોડ્યા પછી.
આ પરાગે બાગ છોડ્યો, ને હવાનો થઈ ગયો,
ફૂલ થાવાની અધૂરી સાધના છોડ્યા પછી.
– પરાગ રતનપરા
#ગઝલ #વૈરાગ્ય #મુક્તિ #સરળતા #અધ્યાત્મ #પરાગરતનપરા
#GujaratiGhazal #LettingGo #Detachment #InnerFreedom #Spirituality #ParagRatanpara