છોડાવજે
ઓ ખુદા, ભીતર તણા અંધારથી છોડાવજે,
ને મને આ મોહના સંસારથી છોડાવજે.
બાપના સપનાં ખભે, માની દુવાઓ આંખમાં,
સૌ અપેક્ષાના વળી આ ભારથી છોડાવજે.
માગવા ઊભો રહું, એવી ઘડી ના આપજે,
શેઠિયાઓના બધા દરબારથી છોડાવજે.
રોજ ઊઠીને ફકત હિંસા જ નફરત વાંચતો,
આંખને એવા બધા અખબારથી છોડાવજે.
મ્હેક થઈને આ પરાગે ઊડવું છે આભમાં,
ફૂલના રંગીન સૌ શણગારથી છોડાવજે.
– પરાગ રતનપરા
#ગઝલ #પ્રાર્થના #મુક્તિ #સૂફી #આધ્યાત્મ #પરાગરતનપરા
#GujaratiGhazal #Prayer #Liberation #SufiSpirit #Detachment #ParagRatanpara