છેલ્લી બસ
ગામની છેલ્લી બસ
રાતે નવ વાગે ઊપડે છે.
બાપુજી રોજ
એ બસનો હોર્ન સાંભળીને
કહેતા: ‘ચાલો, દિવસ પૂરો.’
પછી દીવો ઠારતા,
માળા ફેરવતા,
ને સૂઈ જતા.
એક રાતે
હોર્ન વાગ્યો,
બાપુજીએ કશું ન કહ્યું.
માળા અધૂરી હતી,
દીવો બળતો હતો,
ને બસ
એમને લઈને
ઊપડી ગઈ હતી.
હવે રોજ નવ વાગે
હું દીવો ઠારું છું
ને કોઈ ન સાંભળે એમ
કહું છું:
‘ચાલો, દિવસ પૂરો.’
– પરાગ રતનપરા