છીંક
છીંક ખાધી મેં જરા, ને ગામમાં ઝઘડો થયો,
ને પછી એ વાત તો પંચાતનો મુદ્દો થયો.
કોઈ મરચું, કોઈ મીઠું, કોઈ થોડી હિંગ લઈ,
ફૂંક મારી ને પછી તો વાતનો ફુગ્ગો થયો.
વાત ચોરેથી ચડી ચોરે, પછી અખબારમાં,
સાંજ પડતાં ચેનલોમાં આગનો ભડકો થયો.
સંસદે જઈ કોઈ નેતાએ ઉઠાવ્યો પ્રશ્ન આ,
ગુંબજોમાં છીંકનો ત્યાં દૂર લગ પડઘો થયો.
આ પરાગે શેર લખ્યો એક આ ઘટના વિશે,
ને પછી તો દાદનો, તાળી તણો ઢગલો થયો.
– પરાગ રતનપરા
#ગઝલ #હાસ્યવ્યંગ #અફવા #પંચાત #મીડિયા #પરાગરતનપરા
#GujaratiGhazal #Satire #Rumours #MediaHype #Humour #ParagRatanpara