છે સમય
ના અટકતી, ના ફરે પાછી, સવારી છે સમય,
ધાર દેખાતી નથી, એવી કટારી છે સમય.
રાય હો કે રંક, સૌ નાચે ઇશારે એકના,
એક દોરીથી નચાવે, એ મદારી છે સમય.
શ્વાસના સિક્કા ગણીને સાચવી રાખો, સખા,
વ્યાજ સાથે માગશે, એવી ઉધારી છે સમય.
રોજ થોડું, રોજ થોડું આયખું ઘટતું ગયું,
ચૂપ ઊભો તાકતો, એ તો શિકારી છે સમય.
ફૂલ ખરશે, પણ પરાગે મ્હેક દીધી વાયરે,
એ જ ખુશ્બૂ માગતો આજે ભિખારી છે સમય.
– પરાગ રતનપરા
#ગઝલ #સમય #કાળ #નશ્વરતા #જીવનબોધ #પરાગરતનપરા
#GujaratiGhazal #Time #Mortality #FleetingLife #LifeLessons #ParagRatanpara