છે કે પછી
ઊંઘમાં ચાલ્યા કરું છું, જાગવું છે કે પછી?
દોડ આ ઇચ્છા તરફની, ભાગવું છે કે પછી?
હાથ જોડી રોજ ઊભો મંદિરે, પણ મન કહે:
આ ભજન છે? પ્રાર્થના છે? માગવું છે કે પછી?
રોજ તારા ઘર સુધી આવી, ફરી પાછો વળું,
આ ખરેખર પ્રેમ, ખાલી લાગવું છે કે પછી?
આંખ તારી છે સમંદર, ને કિનારો પણ નથી,
ડૂબવું છે આ નયનમાં, તાગવું છે કે પછી?
આ ‘પરાગે’ ફૂલ છોડ્યું, બાગ છોડ્યો, ડાળ પણ,
આ સફર છે? મુક્તિ છે? કે ત્યાગવું છે કે પછી?
– પરાગ રતનપરા
#ગઝલ #દ્વિધા #આત્મમંથન #પ્રશ્ન #જીવન #પરાગરતનપરા
#GujaratiGhazal #Dilemma #SelfReflection #Questions #InnerConflict #ParagRatanpara