છે ગઝલ
માતૃભાષાના હૃદયમાં સાવ છાની છે ગઝલ,
બાળપણના ઘૂઘરા જેવી જ માની છે ગઝલ.
ફારસીના દેશથી આવી ભલે ગુજરાતમાં,
લોકબોલીમાં ભળી, એવી સયાની છે ગઝલ.
હાથમાં હસ્તાક્ષરો જેવી જ ઓળખ આપણી,
આપણી ભાષા તણી ઉજળી નિશાની છે ગઝલ.
કોઈ મીરાંના ભજનમાં, કોઈ નરસૈંયા તણી,
પ્રેમમાં ઘેલી બનીને, થઈ દિવાની છે ગઝલ.
આ પરાગે માત્ર એની મ્હેક ઝીલી છે અહીં,
ક્યાં કહું મોટી? છતાં ના સાવ નાની છે ગઝલ.
– પરાગ રતનપરા
#ગઝલ #ગુજરાતીભાષા #માતૃભાષા #ગઝલનોમહિમા #ભજન #પરાગરતનપરા
#GujaratiGhazal #MotherTongue #GujaratiLanguage #PoetryOfPoetry #LiteraryHeritage #ParagRatanpara