છે બાકી
હિસાબો સૌ પતાવ્યા, તોય થોડું કામ છે બાકી,
ઉધારો સૌ ભરી દીધા, છતાં બે દામ છે બાકી.
ઘણાં છાપે છપાયાં, ને ઘણાં સન્માન પણ પામ્યા,
છતાં માની નજરમાં તો કમાવું નામ છે બાકી.
વિદેશે ઘર, વિદેશે કાર, ને બચ્ચાં ય અંગ્રેજી,
હજી રોજે સપનમાં આવતું એ ગામ છે બાકી.
દવાઓ લઈ, ચરી પાળી, બધું છોડ્યું ગમે એવું,
છતાં ગલ્લા ઉપર મિત્રો સહિત ચા-જામ છે બાકી.
પરાગે આયખું આખું વિતાવ્યું આ પવન સાથે,
હવે કો’ ડાળ પર ઝાકળ સમો આરામ છે બાકી.
– પરાગ રતનપરા
#ગઝલ #હિસાબ #જીવનસંધ્યા #વતન #મિત્રો #પરાગરતનપરા
#GujaratiGhazal #LifeLedger #Homeland #Friendship #RestAtLast #ParagRatanpara