← મુખપૃષ્ઠ · કાવ્યસંગ્રહ

છત્રી બંધ કરી દે

ઑક્ટોબર ૨૦૨૬કવિતા

છત્રી બંધ કરી દે વ્હાલમ, આભ વરસતું આવ્યું,
વરસો પછી આ ગામે કોઈ મેઘધનુષ્ય લાવ્યું.

ખેતરને શેઢે ઊભાં'તાં, ભીની ભીની સાંજ,
ઓઢણી મેં સંકોરી ત્યાં તો વીજ બોલી: 'આજ!'
ભીનો તારો સાદ પડ્યો ને ફળિયું આખું ન્હાયું…
છત્રી બંધ કરી દે…

કોરાં રહીને શું રે કરવું, કોરાં કાગળ જેવાં?
ટીપે ટીપે લખીએ આપણ અક્ષર ફોરાં જેવા;
ઉંમરનું ઢાંકેલું માટલું આજ ભલે છલકાયું…
છત્રી બંધ કરી દે…

પરાગ કહે: આ મોસમ પાછી આવે, પણ ના આ પળ,
જીવતર એવું ભીંજવીએ કે ઝરે જનમભર જળ;
વાદળ આજે ગાંઠ ઉકેલી ઝૂમી ઝૂમી ગાયું…
છત્રી બંધ કરી દે…

– પરાગ રતનપરા

ગીત
← પહેલો લેખથોડી તરસઆગલો લેખ →ટાંકા