છત્રી
તને યાદ નહીં હોય,
પણ મારાથી ભુલાયું નથી —
વરસાદમાં
આપણે એક જ છત્રી નીચે
ચાલ્યાં હતાં,
ને તેં છત્રી
મારી બાજુ નમાવી હતી,
ને તારો અડધો ખભો
ભીનો થયો હતો.
વર્ષો પછી
દુનિયાએ મને ઘણી છત્રીઓ આપી —
પદ, પૈસો, પ્રતિષ્ઠા.
પણ કોઈ છત્રી
ફરી
મારી બાજુ નમી નહીં.
હવે સમજાય છે,
છત્રીથી કોઈ કોરું રહેતું નથી;
કોરા રાખે છે
ભીના થવા તૈયાર ખભા.
– પરાગ રતનપરા