← મુખપૃષ્ઠ · કાવ્યસંગ્રહ

છપ્પન ભોગ

ઑક્ટોબર ૨૦૨૬કવિતા

છપ્પન ભોગ ધરાવ્યા રે ભાઈ, છપ્પન ભોગ ધરાવ્યા,
બહાર બેઠો ભિખારી, એને ઉંબરથી જ વળાવ્યા!

મોહનથાળ ને મેસૂબ, ઘેબર, શીરો ને શ્રીખંડ,
ચાંદીના થાળે પીરસાયું, પૂજારી આનંદ;
પથ્થરના ભગવાન તો ચૂપ, ને માખીઓ સૌ આવ્યા…
છપ્પન ભોગ ધરાવ્યા…

દર્શન માટે લાંબી લાઈન, વીઆઈપીનો દરવાજો,
પાંચસોની પાવતી ફાડો, ઝટ દઈ ઈશ્વર તાજો;
ગરીબ ભક્તે હાથ જોડ્યા, ને ધક્કે ધક્કે ચલાવ્યા…
છપ્પન ભોગ ધરાવ્યા…

પરાગ કહે: ભિખારીની થાળીમાં મૂક્યો એક રોટલો,
ત્યાં તો જાણે ઈશ્વર હસ્યો, ભરાયો આખો ઓટલો;
પથ્થર તો પથ્થર જ રહ્યો, જીવતાને જ જમાડ્યા…
છપ્પન ભોગ ધરાવ્યા…

– પરાગ રતનપરા

ગીતવ્યંગ
← પહેલો લેખખેતર એ જ માતૃભૂમિઆગલો લેખ →સ્ક્રીનમાં