← મુખપૃષ્ઠ · કાવ્યસંગ્રહ

છલકાતી આંખ

ઑક્ટોબર ૨૦૨૬કવિતા

સખી, મને કોઈ ના પૂછજો, આ આંખ કેમ છલકાય,
આવે છે તો આવવા દો, ભલે પાંપણ ભીની થાય…

ચૂલે દૂધ ઊભરાયું, ને પાંપણ પણ ઊભરાઈ,
મેંદી મૂકી હાથે, ને આંખ કેમ ભરાઈ?
કોઈ નામ લઈને પૂછે, તો કહેજો કે ધુમાડો જાય…
સખી, મને કોઈ ના પૂછજો…

ઝરૂખે ઊભી રહું ને સાંજ પડે ત્યાં ઝૂરું,
કાગળ કોરો ધરીને બેસું, એમાં શું લખું પૂરું?
વાદળ આવે, વરસી જાય, એનો ખુલાસો કોણ માગે, હાય!
સખી, મને કોઈ ના પૂછજો…

પરાગ કહે: કારણ શોધે એ તો ગણિતની વાત,
પ્રીતમાં તો બસ થાય છે, જેમ થાય છે પ્રભાત;
પૂછશો તો હું ય ભૂલી જઈશ, કોણ હું, ને ક્યાં જવાય…
સખી, મને કોઈ ના પૂછજો…

– પરાગ રતનપરા

ગીત
← પહેલો લેખઝાકળઆગલો લેખ →સફર