ચેટમાં
ઓળખાણો, પ્રેમ, ઝઘડો, સૌ જમાવ્યો ચેટમાં,
ને પછી ત્યાં ‘બ્લૉક’ કીધો, ને ભુલાવ્યો ચેટમાં.
ના ગુલાબો, ના ગઝલ, ના ચાંદની, ના બાગ પણ,
એક દિલવાળું ઇમોજી, ને બતાવ્યો ચેટમાં.
બા ગયાં તો સાંજ થઈ, ના કોઈ આવ્યું ઘેર પણ,
શોકનો સંદેશ પણ સૌએ પતાવ્યો ચેટમાં.
લાગણી લાંબી લખી, તો ઉત્તરે બસ ‘કે’ હતો,
એક અક્ષરથી મને એણે રડાવ્યો ચેટમાં.
પત્રમાં દાદા લખી દેતા હૃદય આખું, અને
આ પરાગે પ્રેમ આખો આ સમાવ્યો ચેટમાં.
– પરાગ રતનપરા
#ગઝલ #વ્યંગ #ચેટ #મોબાઇલ #આધુનિકપ્રેમ #પરાગરતનપરા
#GujaratiGhazal #Satire #ChatLove #DigitalAge #ModernRomance #ParagRatanpara