ચીની દીવા
આ વરસે
દિવાળીના દીવા
ચીનથી આવ્યા —
ઝબક-ઝબક,
સાત રંગના,
પ્લગમાં ભરાવો ને ઝળહળ.
કુંભારવાડામાં
ચાકડો
આ વરસે
ફર્યો નહીં.
કુંભારનાં છોકરાં
બજારે ગયાં,
કાચની દુકાનો સામે
નાક અડાડીને
લાઇટો જોતાં રહ્યાં.
આખું શહેર
ઝળહળ્યું.
ને કુંભારવાડામાં
એક જ દીવો હતો —
એ પણ
ગયા વરસનો.
– પરાગ રતનપરા