ચશ્માં
એ ગયા
એને આજે ચાલીસ દિવસ થયા.
બધું ઠેકાણે મુકાઈ ગયું છે —
કપડાં દાનમાં,
ઘડિયાળ દીકરાને,
પેન પૌત્રને,
ને ખુરશી
ગૅલેરીના ખૂણે.
ફક્ત એમનાં ચશ્માં
હજી
છાપા ઉપર પડ્યાં છે,
જેમ રોજ પડતાં હતાં.
હું એને ઉપાડતી નથી.
રોજ સવારે
છાપું બદલાય છે,
તારીખ બદલાય છે,
સમાચાર બદલાય છે,
ને એ ચશ્માં
જાણે
હજી કોઈ સમાચારની
રાહ જુએ છે —
કે કોઈ આવીને
એમને પહેરશે
ને કહેશે,
“જો તો, આજે શું છે?”
– પરાગ રતનપરા