ચકલી
અમારા ફ્લેટની બારી ઉપર આવી ફરે ચકલી,
ન ઝાડી, ના જ માળો, ના અહીં ક્યાંયે ઠરે ચકલી.
હતું આંગણ, હતો તડકો, હતા દાણા બધે ઘરમાં,
હવે આ ચળકતી ફરસે બિચારી શું ચરે ચકલી?
અરીસે જોઈ પડછાયો, પ્રહારે ચાંચ મારે ને
પછી પોતે જ પોતાથી ઘણું ઊંડે ડરે ચકલી.
કદી પ્લાસ્ટિક, કદી દોરા, કદી વાયર ઉપાડીને
નવા યુગનો નવો માળો ઉમંગેથી ભરે ચકલી.
પરાગે જળ ભરી કૂંડું, વળી દાણા ઝરૂખે, ત્યાં
ગઝલની ડાળ પર બેસી, મધુર કલરવ કરે ચકલી.
– પરાગ રતનપરા
#ગઝલ #ચકલી #પર્યાવરણ #નગરજીવન #પંખી #પરાગરતનપરા
#GujaratiGhazal #Sparrow #Environment #UrbanLife #Birds #ParagRatanpara