← મુખપૃષ્ઠ · કાવ્યસંગ્રહ

ચારણની દીકરી

ઑક્ટોબર ૨૦૨૬કવિતા

નેસમાં
રાત અડધી હતી
ને વાડામાં
સાવજનો ઘુરકાટ.

બાપ બહારગામ,
મા માંદી,
ભાઈ નાનો.

સોળ વરસની એ છોકરી
ઊભી થઈ,
હાથમાં ડાંગ લીધી,
ને ઝૂંપડીના બારણે
એવી રીતે ઊભી રહી
જાણે
બારણું એ પોતે જ હોય.

સાવજ થોડી વાર
એની આંખમાં જોતો રહ્યો —
પછી પાછો વળી ગયો.

ગામ આજે પણ કહે છે:
એ રાતે
ડાંગ નહોતી ચાલી;
આંખ જ
પૂરતી હતી.

– પરાગ રતનપરા

અછાંદસ
← પહેલો લેખજરા જોઆગલો લેખ →હથેળી