← મુખપૃષ્ઠ · કાવ્યસંગ્રહ

ચાંદો ને હું

ઑક્ટોબર ૨૦૨૬કવિતા

ચાંદો ને હું રાતે ઓટલે બેસીએ, વાતું કરીએ ઝીણી ઝીણી,
એ પૂછે મારી ખબર, ને હું પૂછું એની ચાંદની ભીની.

એ કહે: ‘મારે અમાસે જાવું, પૂનમે પાછું આવવું,’
હું કહું: ‘મારે ઑફિસે જાવું, સાંજે થાક્યા ઘેર આવવું;’
બેય તણી વેદના સરખી, બેયની વાતું વીણી વીણી…
ચાંદો ને હું…

એ કહે: ‘મારા મુખ પર ડાઘ છે, તોય જગત મને ગાય,’
હું કહું: ‘મારે મનમાં ડાઘ છે, કોઈ ન મને સમજાય;’
ચાંદો હસીને બોલ્યો: ‘ભેરુ, ડાઘ તો છે અજવાળાની નિશાની!’
ચાંદો ને હું…

પરાગ કહે: આ ચાંદો તો છે સૌ એકલવાયાંનો ભેરુ,
રોજ નહીં તો કદીક મળે, ને ખોલે હૈયું સઘળું;
ઓટલો ખાલી, આભ ભરેલું, ને વાતું રહી અધૂરી અધૂરી…
ચાંદો ને હું…

– પરાગ રતનપરા

ગીત
← પહેલો લેખનેણનો કેફઆગલો લેખ →રંગ રમે રાધા