ચાંદની
ઓસરી પર પાથરીને આભ ઢોળે ચાંદની,
ને તળાવે ડૂબકી લઈ રૂપ ઘોળે ચાંદની.
કોઈ ઊંચું, કોઈ નીચું, ગામમાં સૌ ભેદ છે,
ઝૂંપડી કે મ્હેલ, બેમાં ક્યાંય તોળે ચાંદની?
ઓસરીમાં બા વિના હું એકલો છું રાતભર,
શીશ ઢાળું, ત્યાં મને લે એમ ખોળે ચાંદની.
તું મળી’તી જે અગાશી પર, હજી એ ઠેર છે,
આપણી યાદો હજી ત્યાં તો ઝબોળે ચાંદની.
આ પરાગે બંસરીમાં ફૂંક મારી જ્યાં જરા,
રાતભર જમના-જળે, ને લે હિલોળે ચાંદની.
– પરાગ રતનપરા
#ગઝલ #ચાંદની #પૂનમ #મા #પ્રેમ #પરાગરતનપરા
#GujaratiGhazal #Moonlight #FullMoonNight #Mother #Love #ParagRatanpara