ચાંદામામા, ક્યાં?
ચાંદામામા, ચાંદામામા, ક્યાં સંતાયા આજ?
ઊંચા ઊંચા ટાવર પાછળ શરમાઓ છો શું કાજ?
નાનીમાને ગામે તમે ખાટલે આવી બેસતા,
ખીર-પૂરી ખાતા ને અમને વાર્તાઓ કહેતા;
અહીં તો ધુમાડાની ચાદર, ને ઘોંઘાટનો સાજ…
ચાંદામામા…
મમ્મી કહે: ‘મોબાઇલમાં જો, ચાંદો છે આ ફોટે,’
પણ ફોટાનો ચાંદો ના રમે, ના આવે મારે ઓટે;
ચાલો મામા, ધાબે આવો, રમીએ આજ ને આજ…
ચાંદામામા…
પરાગ કહે: બાળકની વાત સાંભળી ચાંદો હસ્યો,
વાદળ ખસેડી, ટાવર ઠેકી, બારીએ આવી વસ્યો;
બાળકના ગાલ પર ચાંદની, ને ચાંદાને માથે તાજ…
ચાંદામામા…
– પરાગ રતનપરા