નવો દાવ
એ જ તું, ને એ જ હું, પણ આંખમાં નવ ભાવ છે,
એ જ બાજી, એ જ પ્યાદાં, પણ નવો આ દાવ છે.
હાથ જે પંપાળતા, એ આજ પથ્થર થઈ ગયા,
ફૂલ જેવા સ્પર્શમાં પણ કેટલા યે ઘાવ છે.
એ જ દરિયો, એ જ મોજાં, એ જ ઊંડાણો, છતાં
ઊલટી દિશમાં વહેતી આજ મારી નાવ છે.
મા ગયાં, ને કોઈ માથે હાથ ના મૂકે હવે,
ઊતરે ક્યાંથી? હજી આખા શરીરે તાવ છે.
આ પરાગે બાગ છોડ્યો, ફૂલ છોડ્યાં, તોય પણ
મ્હેકને આ ધૂળ સાથે આજ એ જ લગાવ છે.
– પરાગ રતનપરા
#ગઝલ #બદલાવ #સંબંધ #માતૃવિરહ #મૂળિયાં #પરાગરતનપરા
#GujaratiGhazal #ChangingTimes #Relationships #MissingMother #Roots #ParagRatanpara