ચાલ્યા કરું
ના મળે મંઝિલ ભલે, હું આંધળો ચાલ્યા કરું,
પગ ભલે છોલાય, તો યે પાંગળો ચાલ્યા કરું.
મંઝિલે જઈ સૌ વિરામે, થાક ખાતું આ જગત,
ભીડ અટકી જાય ત્યાં પણ એકલો ચાલ્યા કરું.
રાત કાળી, ને ન દીવો, ના સિતારો આભમાં,
આંખમાં સપનું ધરી, હું ઊજળો ચાલ્યા કરું.
ફરજ, ઘર, સંસાર, સગપણ, કેટલાં બંધન પગે,
રણકતી ઝાંઝર સમી લઈ સાંકળો ચાલ્યા કરું.
ફૂલ ખીલે ત્યાં અટકતો હું નથી, બોલ્યો ‘પરાગ’,
વાયરા સંગે, સુગંધી, મોકળો ચાલ્યા કરું.
– પરાગ રતનપરા
#ગઝલ #સફર #મંઝિલ #સંઘર્ષ #યાત્રા #પરાગરતનપરા
#GujaratiGhazal #Journey #KeepWalking #JourneyNotDestination #Perseverance #ParagRatanpara