← મુખપૃષ્ઠ · કાવ્યસંગ્રહ

ચાલ્યા કરું

ઑક્ટોબર ૨૦૨૬કવિતા

તું ફરી ગઈ, ને હવે હું બાવરો ચાલ્યા કરું,
ઠોકરો ખાતો, ઉછળતો, કાંકરો ચાલ્યા કરું.

ઘર હતું, આંગણ હતું, ને એક તુલસી-ક્યારડો,
સૌ ગયું, હાથે હવે આ ઠીકરો ચાલ્યા કરું.

છાંયડો ક્યાંયે નથી, ના કોઈ ઝરણું, ના નદી,
સૂર્ય માથે, પંથ લાંબો, આકરો ચાલ્યા કરું.

પાંખ છે, પણ ઊડવું ભૂલી ગયો છું, શું કરું?
હું ખભે લઈ જાત-કેરો પીંજરો ચાલ્યા કરું.

આ પરાગે ફૂલ છોડ્યું, બાગ પણ છૂટ્યો હવે,
વાયરો લઈ જાય ત્યાં, હું ઝાંખરો ચાલ્યા કરું.

– પરાગ રતનપરા

#ગઝલ #મુસાફર #ભટકન #વિરહ #એકલતા #પરાગરતનપરા
#GujaratiGhazal #Wanderer #Rejection #Drifting #Solitude #ParagRatanpara

ગઝલ
← પહેલો લેખસુંદર હતુંઆગલો લેખ →નથી રમતાં