ચાલવું પડે
રસ્તો તો ઈશ્વર ચીંધે રે, ચાલવું તો પડે જાતે,
દીવો તો કોઈ દઈ દે, બળવું તો પડે જાતે.
ગુરુ મળે તો ગાંઠ ઉકેલે, ના ઉકેલે ભૂખ,
કથા સુણો તો કાન ભરાય, ના ભરાય કંઈ દુઃખ;
આયનો તો સામે ઊભો, જોવું તો પડે જાતે…
રસ્તો તો…
હોડી કોઈ દઈ દે, પણ હલેસાં મારે હાથ,
તોફાનોમાં કોણ ઊભું? બસ પોતાનો સાથ;
કાંઠે બેસી રડનારાને તરવું તો પડે જાતે…
રસ્તો તો…
પરાગ કહે: ફૂલ ખીલે ત્યારે માળી ના કરે કામ,
કળીએ પોતે ખૂલવું પડે, ત્યારે મ્હેકે ગામ;
પ્રાર્થના તો સૌ કરી દે, જીવવું તો પડે જાતે…
રસ્તો તો…
– પરાગ રતનપરા