ચાલતો ઘર
કારખાનું બંધ થયું,
ટ્રેન બંધ થઈ,
બસ બંધ થઈ.
ખુલ્લો રહ્યો
માત્ર રસ્તો.
એણે માથે પોટલું મૂક્યું,
કેડે છોકરું,
ને ચાલી નીકળ્યો —
નવસો કિલોમીટર.
રસ્તામાં
કોઈએ પાણી આપ્યું,
કોઈએ ફોટો પાડ્યો,
કોઈએ ભાષણ.
ગામને પાદર પહોંચ્યો
ત્યારે ચંપલ નહોતાં,
પગમાં છાલાં હતાં,
ને આંખમાં
એક જ સવાલ —
‘આ નગર
મેં બાંધ્યું હતું,
તો એ મને
પોતાનું કેમ ન ગણી શક્યું?’
– પરાગ રતનપરા