ચાલ, પંખી થઈએ
ચાલ, પંખી થઈએ, સજના, ચાલ પંખી થઈએ,
આ ભીંતોના ભાર મૂકીને આભ ભરી લઈએ.
તારે ખભે ઑફિસ-થેલો, મારે માથે ચૂલો,
દિવસો આખા દોડે, તોયે ફરે ન કોઈ ઝૂલો;
એક સાંજ તો પાંખ પહેરી, વાદળ સુધી જઈએ…
ચાલ, પંખી થઈએ…
ના ઇએમઆઈ, ના કોઈ ફોન, ના કોઈ ટારગેટ,
બસ ડાળી પર ડાળી જેવો નાનો આપણો સેટ;
તણખલાં ભેગાં કરતાં કરતાં, વાતો કરતાં રહીએ…
ચાલ, પંખી થઈએ…
પરાગ કહે: આ પાંજરું નહીં, આપણે જ બાંધ્યો માળો,
બારી ખોલી જો, સજના, ત્યાં ઝૂકે આભ રૂપાળો;
ઊડી પાછાં આવીએ, પણ ગીત નવું લઈ આવીએ…
ચાલ, પંખી થઈએ…
– પરાગ રતનપરા