ચાલ, ગામડે જઈએ
ચાલ, ગામડે જઈએ!
શહેરની ભીડથી થાકેલા, થોડું આપણું થઈએ…
પાદરના વડલાને પૂછીએ, ‘ઓળખે છે કે ભૂલ્યો?’
જેની ડાળે બાળપણનો આપણો હીંચકો ઝૂલ્યો;
નદીકાંઠે જઈ ઉઘાડે પગ, રેતી સાથે રહીએ…
ચાલ, ગામડે જઈએ!
ખેતરને શેઢે બેસીને ખાઈએ રોટલો-છાશ,
ગાયનાં ગળે ઘંટડી સાંભળી ઝૂમી ઊઠે શ્વાસ;
રાતે ખાટલે સૂઈ તારા ગણતાં ગણતાં વહીએ…
ચાલ, ગામડે જઈએ!
પરાગ કહે: આ ગામ નથી, આ તો મૂળ છે આપણું,
શહેર ભલે સોનાનું હો, પણ ગામ જ સાચું આંગણું;
જ્યાંથી ઊગ્યા ત્યાં પાછા જઈ, થોડું પાણી પઈએ…
ચાલ, ગામડે જઈએ!
– પરાગ રતનપરા