જૂના કાગળ
પેટીમાં સાચવી રાખ્યા છે તારા જૂના કાગળ,
અક્ષરે અક્ષરે મ્હેકે હજી તારા હાથનું ઝાકળ.
પીળાં પડ્યાં પાનાં તોયે, અક્ષર લીલા લીલા,
‘તારી’ લખતાં ધ્રૂજ્યા હશે, હાથ તારા રંગીલા;
ગડીએ ગડીએ ફાટ્યા છે, પણ ફાટ્યું ના એ વાદળ…
પેટીમાં સાચવી…
એક કાગળમાં સૂકું ફૂલ ને એકમાં તારો વાળ,
એકમાં લખ્યું’તું: ‘મળજે કાલે, મંદિરની પાળ;’
એ ‘કાલ’ની હજી રાહ જુએ છે, મારી આંખનું કાજળ…
પેટીમાં સાચવી…
પરાગ કહે: આજે ફોનમાં સંદેશા ઊડી જાતા,
ના પીળા પડે, ના ફાટે, ના આંસુએ ભીંજાતા;
જે સાચવ્યું એ જ સાચું, બાકી સઘળું ઝાંઝવાં-ઝળહળ…
પેટીમાં સાચવી…
– પરાગ રતનપરા