← મુખપૃષ્ઠ · કાવ્યસંગ્રહ

ચાકડો

ઑક્ટોબર ૨૦૨૬કવિતા

ચાકડો ફરે ને માટી બોલે: જે ઘાટ ઘડે તે ઘડજે રે,
કુંભાર, તારા હાથે સોંપી જાત, હવે તું ગમે તે કરજે રે.

કોઈ ઘડે તો દીવડો થાઉં, કોઈ ઘડે તો કુલડી,
કોઈ ઘડે તો પનિહારીને માથે ઝૂલતી ગગરી;
તડ પડે તો ફરિયાદ ન કરું, ભઠ્ઠીમાં ભલે બળજે રે…
ચાકડો ફરે…

ટીપી, ઘસી, તડકે મૂકી, ટકોરા મારી જોયું,
રણકે તો સાંભળજે, ભાઈ, અંદર શું શું ખોયું;
ખોટ પડે તો ફરી પલાળી મને માટીમાં ભેળજે રે…
ચાકડો ફરે…

પરાગ કહે: આ દેહ ય માટી, ઉપર બેઠો ઘડનારો,
સુખ-દુઃખનો ચાકડો ફરે, ના એનો કોઈ કિનારો;
જે ઘાટ મળે તે હસીને ઝીલવો, એ જ શીખ મન ધરજે રે…
ચાકડો ફરે…

– પરાગ રતનપરા

ગીત
← પહેલો લેખઆંગણેઆગલો લેખ →લાઇનમાં ઊભા